હિરેન ભટ્ટ
નિવૃત્ત આરટીઓ ઇન્સ્પેક્ટર નકલી ખેડૂત બની સૌરાષ્ટ્રમાં 300 કરોડની જમીનના માલિક બની ગયા હોવાનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો. જેની તપાસ શરૂ છે ત્યાં આ નિવૃત્ત આરટીઓ અધિકારી અશોકકુમાર અનંતરાય ધ્રુવે જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકના માલણકા ગામે પણ 8 વીઘા જમીન ખરીદી લીધી હોવાના પુરાવા મળ્યા છે. રાજકોટમાં 10 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા આરટીઓ ઇન્સ્પેક્ટર ધ્રુવે ફરજના કાર્યકાળ દરમિયાન 1994માં બોગસ ખેડૂત ખાતેદાર બની જમીન ખરીદવાના ખેલ શરૂ કર્યાં હતાં. જેની સામે જામનગર કલેક્ટર બી.કે. પંડ્યા અને ધ્રોલ મામલતદાર વી.એન. પરમારે તપાસ કરતા તેઓ બિનખેડૂત ખાતેદાર હોવાનું સાબિત થઈ જતાં કલમ 75 હેઠળ સક્ષમ અધિકારીને કાર્યવાહીની દરખાસ્ત કરવામાં આવી છે. ધ્રુવે જૂનાગઢના મેંદરડાના માલણકા ગામે પણ 8 વીઘા જમીન ખરીદી. જેના 7-12 અને 8-અના ઉતારામાં અધિકારી સહિત તેમના પત્ની અરુણાબેન, પુત્ર આકાશ અને પુત્રી નેમશ્રીબેનના નામ જણાયા છે. પહેલીવાર 1994માં જમીન ખરીદી ખેલ શરૂ કર્યો હતો
પૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટરે વર્ષ 1994માં જામનગર જિલ્લાના લૈયારા ગામમાં રૂ.15000માં 3.33 એકર જમીન ખરીદી ખેલ શરૂ કર્યો હતો. જેનો વર્ષો બાદ ભાંડો ફૂટ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ધ્રોલની પ્રાંત અધિકારીની કોર્ટમાં ધ્રુવ સામે કેસ દાખલ
અશોક ધ્રુવ નકલી ખેડૂત ખાતેદાર હોવાના ખુલાસા બાદ જામનગરનું તંત્ર સક્રિય થયું છે. મામલતદારના અભિપ્રાય અને દરખાસ્ત બાદ ધ્રોલ પ્રાંત અધિકારી પાસે મામલો પહોંચતા નોટિસ ફટકારી પ્રાંત અધિકારીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.