દિલ્હી હાઈકોર્ટે એ.આર. રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેના પર ગીતની નકલ કરવાનો આરોપ છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’ ના ગીત ‘વીરા રાજા વીરા’ સાથે સંબંધિત છે. દિલ્હી હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, “આ ગીત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝુદ્દીન અને વસીફુદ્દીન ડાગરના પિતા અને કાકા દ્વારા રચિત ‘શિવ સ્તુતિ’ની નકલ છે.” કોર્ટે આ રકમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. જાણો શું છે આખો મામલો ટાઈમ્સ નાઉ અનુસાર, વર્ષ 2023 માં પદ્મશ્રીથી સન્માનિત ભારતીય શાસ્ત્રીય ગાયક ફૈયાઝ વસીફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, “ફિલ્મ ‘પોન્નીયિન સેલ્વન 2’નું ‘વીરા રાજા વીરા’ ગીત તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત ‘શિવા સ્તુતિ’ની નકલ છે.” ડાગરે પોતાની અરજીમાં એ. આર. રહેમાન, પ્રોડક્શન કંપની મદ્રાસ ટૉકીઝ અને અન્ય સંબંધિતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગીતના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ પ્રતિભા એમ સિંહે કહ્યું કે, ” ‘વીરા રાજા વીરા’ ગીત ‘શિવ સ્તુતિ’ જેવું જ છે.” તેના કારણે જજે રહેમાન અને મદ્રાસ ટૉકીઝને ગીતના ક્રેડિટ સુધારવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, ડાગર પરિવારને માન આપવાની વાત પણ કરી છે. એટલું જ નહીં, કોર્ટે રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ અને ડાગર પરિવારને 2 લાખ રૂપિયા આપવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, “ગીતમાં ડાગર પરિવારને આપવામાં આવેલા ક્રેડિટ્સ બધા OTT પ્લેટફોર્મ પર અપડેટ કરવામાં આવશે.” રહેમાને આરોપોને ખોટા ગણાવ્યા એઆર રહેમાને આ આરોપોને ખોટા ગણાવ્યા છે. જ્યારે મદ્રાસ ટૉકીઝની ટીમે પણ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે દલીલ કરી છે કે, ” ‘પોન્નીયિન સેલ્વન 2’નું ‘વીરા રાજા વીરા’ ગીત નારાયણ પંડિત આચાર્યની 13મી સદીની રચનાથી પ્રેરિત છે.” ‘પોન્નીયિન સેલ્વન 2’ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી ‘પોનીયિન સેલ્વન 2’ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી. ઐશ્વર્યા ઉપરાંત આ ફિલ્મમાં ચિયાન વિક્રમ, જયમ રવિ, તૃષા કૃષ્ણન, પ્રભુ, શોભિતા ધૂલીપાલા, ઐશ્વર્યા લક્ષ્મી અને પ્રકાશ રાજ પણ હતા. આ ફિલ્મમાં, ઐશ્વર્યાએ નંદિની અને મંદાકિનીની ભૂમિકા ભજવી હતી.