પહેલા નશો, પછી બંધાણી ને અંતે પેડલર…આ સ્ટોરી હવે લગભગ દરેક ડ્રગ્સ એડિક્ટ અને પેડલરની બની ગઈ છે. SOGએ છેલ્લા 3 વર્ષમાં 107 નાર્કોટિક્સના કેસ નોંધ્યા છે જેમાં 28 મહિલાઓની ધરપકડ કરાઈ છે. SOGની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે પહેલાં મહિલાઓ નશો કરે છે બાદમાં ધીમે-ધીમે બંધાણી બની જાય છે અને અંતે ડ્રગ્સ લેવા માટે કોઈ પણ હદે અથવા તો પેડલર બનતા પણ અટકાતી નથી. કોઈ કેસમાં MBA યુવતી ડ્રગ્સ પેડલર બની ગઈ છે તો કોઇક કેસમાં એક શિક્ષક દંપતી ડ્રગ્સ લેવા મધ્ય ગુજરાતથી છેક અમદાવાદ સુધી લાંબા થયા હોવાનું જાણવા મળ્યુ છે. ડ્રગ્સના વેપારમાં મહિલાઓ વધુ પડતી સક્રિય
સામાન્ય રીતે ડ્રગ્સનું નામ આવે એટલે કોઈ લુખ્ખા, ટપોરી આ ડ્રગ્સ વેચતા હોય તેવું લોકો માનતા હોય છે, પરંતુ એવું નથી. આ વેપારમાં મહિલાઓ વધુ પડતી સક્રિય છે અને પોલીસને શંકા ન જાય તે માટે તેઓ આ પ્રકારના વેપારમાં વધુ જોડાઈ રહી છે અને લાખો રૂપિયા કમાઈ રહી છે. ડ્રગ્સના ખર્ચને પહોંચી વળવા ગેંગમાં ફસાઈ જાય
એવું પણ નથી કે ખાલી રૂપિયા કમાવવા માટે આ વેપાર ચાલતો હોય. પણ મોટા ઘરના લોકો એક વખત આ ડ્રગ્સના રવાડે ચડે તો એનો ખર્ચ પહોંચી વળવા માટે પણ આ ગેંગમાં ફસાઈ જાય છે. અને તેઓ ગમે તેમ કરીને ડ્રગ્સ મેળવવા માટે પેડલર બનવા સુધી તૈયાર થઈ જાય છે. કોડવર્ડના માધ્યમથી ડ્રગ્સની લે-વેચ
વોટ્સએપ ગ્રુપ કે સિક્રેટ ચેટ માટે જાણીતા પ્લેટફોર્મ પર કોડવર્ડના માધ્યમથી આ ડ્રગ્સની લે-વેચ થાય છે. જેના માટે માલ, મન્ચુરિયન, મહેગા નશા સહિતના કોડવર્ડનો ઉપયોગ થાય છે. SOGની તપાસમાં ડ્રગ્સ સપ્લાય અને પેડલરની કડી મળી
SOGના DCP જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે 3 વર્ષમાં SOGએ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં 107 નાર્કોટિક્સના કેસ કર્યા છે. આ સમગ્ર કેસમાં અલગ અલગ રીતે ડ્રગ્સ સપ્લાય અને પેડલર બંનેની કડી મળી છે. ઘણી વખત તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે પેડલર હોય છે તે એક વખત બંધાણી બને છે અને તે પોતાના નશાનો ખર્ચ ઉપાડવા માટે ગમે તેમ કરીને કોઈનો હાથો બની ડ્રગ્સ સપ્લાય કરતો થઈ જાય છે. ડ્રગ્સમાંથી બહાર આવવા મદદ કરીશું: DCP
અલગ અલગ કોડવર્ડથી ડ્રગ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી સપ્લાય થતું હોય છે. અમારી પાસે આવતા અનેક લોકોને અમે આ ચક્કરમાંથી બહાર લાવવા માટે કાઉન્સિલિંગ કરવાનો પ્રયાસ કરતા હોઇએ છીએ. ઘણી વખત જરૂરી ડોક્ટરની પણ અમે વ્યવસ્થા કરી આપીએ છીએ. જો કોઇને આમાંથી બહાર આવવું હોય તો તે અમારો સંપર્ક કરશે તો અમે તેમને ચોક્કસ મદદ કરીશું. ડ્રગ્સ કેસમાં મહિલા આરોપીઓના કિસ્સા MBA ભણેલી યુવતી પેડલર બની
અમદાવાદના પોશ વિસ્તારમાં જ્યારે ડ્રગ્સ સપ્લાયની વાત આવે ત્યારે અમદાવાદની એક MBA ભણેલી યુવતી ચોક્કસ લોકોને નજરે ચડે છે. આ યુવતી મિત્ર-વર્તુળના કારણે ડ્રગ્સના ચક્કરમાં ફસાઈ ગઈ હતી. તેના પરિવારમાં પણ ખૂબ જ ભણેલા-ગણેલા લોકો છે પરંતુ ડ્રગ્સના કારણે તેણે તેના પરિવારથી અલગ થવું પડ્યું. એટલું જ નહીં તે પોશ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતી થઈ અને એક નહીં અનેક વખત તે પોલીસની પકડમાં આવી ચૂકી છે. પહેલાં લત લાગી પછી પેડલર બની
પહેલા સામાન્ય નશાની લત લાગી હતી. ત્યારબાદ તેને આ નશાની જરૂરિયાત માટે રૂપિયાની જરૂર હતી, પરંતુ નહીં મળતા તે પેડલરની ભૂમિકામાં આવી ગઈ હતી. પોલીસ વારંવાર તેની ધરપકડ કરીને જેલના હવાલે કરે છે, પરંતુ આ ડ્રગ્સનું ચક્ર તેને સુધરવા દેતું નથી. અડધી રાતે પણ ડ્રગ્સ લેવા અમદાવાદ આવતા
મધ્ય ગુજરાતનું એક શિક્ષક દંપતી સતત ડ્રગ્સના કારણે ગમે ત્યારે અમદાવાદ આવતું થઈ ગયું હતું. પહેલા સર્કલમાં કોઈ નશાનો બંધાણી આવ્યો અને ત્યારથી તેમણે એમડી ડ્રગ્સનો નશો કરવાનો શરૂ કર્યું હતું. આ દંપતીને ધીમેધીમે નશો એટલો વધી ગયો કે તેઓ અડધી રાતે પણ ડ્રગ્સ લેવા માટે અમદાવાદ આવતા હતા. પોલીસે ડ્રગ્સ એડિક્ટ દંપતીનું કાઉન્સિલિંગ કરાવ્યું
એક કેસની તપાસમાં જ્યારે પોલીસને ખબર પડી કે શિક્ષક દંપતી ડ્રગ્સનું બંધાણી છે ત્યારે પોલીસે તેમની પૂછપરછ કરી ત્યારે તેમણે સ્વીકાર્યું કે અમને ખબર જ નથી પડી કે અમે ક્યારે ડ્રગ્સ એડિક્ટ બની ગયા. હવે પોલીસ તેમનું કાઉન્સિલિંગ કરાવી ટ્રીટમેન્ટ અપાવીને તેમને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. શહેરના 35 વિસ્તારમાં ડ્રગ્સ મળે છે
પોલીસ ચોપડે નોંધાયેલા કેસ મુજબ દાણીલીમડા, વેજલપુર, વટવા, રામોલ, શાહપુર, દરિયાપુર સહિત 35 વિસ્તારમાં ડ્રગ્સના કેસ નોંધાયા છે. યુનિ. નજીક એક હોસ્પિટલ 365 દિવસ દર્દીઓથી ભરેલી હોય છે
અમદાવાદમાં યુનિવર્સિટી નજીક આવેલી એક હોસ્પિટલ 365 દિવસ દર્દીઓથી ભરેલી હોય છે. આ દર્દીઓમાં સૌથી વધુ યુવાનો-ટીનેજર હોય છે અને તેઓ કોઈ બીજા બીમાર નહીં પરંતુ ડ્રગ્સ એડિક્ટ હોય છે. દસ-પંદર દિવસની મોટાભાગની ટ્રીટમેન્ટ અહીં ચાલતી હોય છે. શેરદલાલનો પુત્ર સારવાર લેવા હોસ્પિટલમાં દાખલ થયો
થોડા સમય પહેલા એક અમદાવાદના મોટા શેર દલાલના પુત્રને અહીંયા દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ખાસ કરીને આ મોટા ગજાના વ્યક્તિની ખબર કાઢવા માટે હાઈ પ્રોફાઈલ લોકો આ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જેમાં રાજકીય પક્ષના નેતાઓ પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આવા અનેક કિસ્સા આસપાસની હોસ્પિટલોમાં માનસિક રોગીના ઓથા હેઠળ ડ્રગ્સ એડિક્ટની સારવાર લેતા હોય તેવા જોવા મળે છે. ડ્રગ્સના વેપારમાં મહિલાઓ વધી રહી છે
અમદાવાદ SOGએ ત્રણ વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સના કેસ ઉકેલ્યા છે. આ અંગે SOGનો સ્ટાફ પણ કહે છે કે મોટાભાગે મહિલાઓ આ વેપારમાં વધી રહી છે. પોલીસને શંકા ન જાય તે રીતે ગમે તે જગ્યાએથી નશો લાવીને અમદાવાદમાં સપ્લાય કરવાનું શરૂ કર્યું હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ડ્રગ્સના મોટા કેસમાં પણ મહિલાઓનો રોલ ક્યાંક ને ક્યાંક સામે આવે છે. પેડલર તરીકે પણ મહિલાઓ હોય છે બીજી તરફ લેનારમાં પણ યુવા હોય છે જેમાં પણ યુવતીઓ ટીનેજર મોટાભાગે હોવાનું સામે આવ્યું છે.