પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ભારતે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ સિંગર અદનાન સામીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર એક ભારતીય પત્રકારે પહેલગામ હુમલા પછી કેન્દ્રના નિર્ણય વિશે લખ્યું હતું, જેમાં પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ફવાદ ચૌધરીએ લખ્યું, “અદનાન સામીનું શું?” સિંગરે હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ફવાદ ચૌધરીના ટ્વીટને શેર કરતી વખતે અદનાને લખ્યું- “આ અભણ મૂર્ખને કોણ જણાવે?” આ સાથે, તેણે એક હસતું હોય તેવું ઇમોજી પણ મૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, અદનાનનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. અદનાનના પિતા અરશદ સામી ખાન પાકિસ્તાની હતા અને માતા નૂરીન ખાન જમ્મુનાં હતાં. અદનાન પાસે અગાઉ પાકિસ્તાની નાગરિકતા હતી. સિંગરને ડિસેમ્બર 2016માં ભારતીય નાગરિકતા મળી હતી. ભારતીય નાગરિકતા મેળવવા માટે તેને 18 વર્ષ રાહ જોવી પડી હતી. અદનાનની કરિયર વિશે વાત કરીએ તો, તેણે 1986માં એક અંગ્રેજી આલ્બમથી શરૂઆત કરી હતી. તેનો પહેલો શાસ્ત્રીય (ક્લાસિકલ) આલ્બમ 1981માં ઉસ્તાદ ઝાકીર હુસૈન સાથે આવ્યો હતો. વર્ષ 2000માં અદનને આશા ભોંસલે સાથે ‘કભી તો નજર મિલાઓ’ આલ્બમ બનાવ્યું હતું. તે પછી, તેણે અમિતાભ બચ્ચન સાથે ‘લિફ્ટ કરા દે’, ‘કભી નહીં’ જેવા હિટ આલ્બમ્સ કર્યા. તેનો બીજો સ્ટૂડિયો આલ્બમ, ‘તેરા ચેહરા’, ઓક્ટોબર 2002માં રિલીઝ થયો હતો. ફિલ્મોની વાત કરીએ તો, તેણે ‘લકી: નો ટાઇમ ફોર લવ’ ના ‘સુન ઝારા’ અને ‘બજરંગી ભાઈજાન’ના ‘ભર દો ઝોલી મેરી’ જેવા ઘણા હિટ ગીતો આપ્યા છે. આ સિવાય તેણે ‘યે રાસ્તે હૈં પ્યાર કે’, ‘ધમાલ’, ‘1920’, ‘ચાન્સ પે ડાન્સ’, ‘મુંબઈ સાલસા’, ‘ખુબસૂરત’, ‘સદિયાં’ અને ‘શૌર્યા’ જેવી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે.