કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ સુરતના શૈલેષ કળથિયા પણ બન્યા હતા. શૈલેષ કળથિયાને પત્ની અને સંતાનો સામે ગોળી મારી દીધી હતી. પોતાની નજરે જોનાર આતંકવાદીની તસવીર સામે આવતા તેમાંથી પતિ શૈલેષને ગોળી મારનાર આતંકવાદીને ઓળખી બતાવ્યો હતો. જે ચાર આતંકવાદીઓની તસવીર સામે આવી છે, તેમાંથી જમણેથી બીજો જે આતંકવાદી છે તેણે જ પોઇન્ટ બ્લેન્કથી ગોળી મારી હતી. જન્મદિવસની ઉજવણી કરવા માટે કાશ્મીર ગયા હતા
મુંબઈ ગોરેગાંવ SBIમાં રિજિયોનલ મેનેજર શૈલેષ કળથિયા (મૂળ હરિકુંજ સોસાયટી, નાના વરાછા સુરત અને વતન ધુફણીયા, તા. દામનગર, જિ. અમરેલી) પરિવાર સાથે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસે ગયા હતા. 22 એપ્રિલે આતંકીઓના હુમલામાં શૈલેષ સહિત 26 નિર્દોષ નાગરિકાને ટાર્ગેટ કરાયા હતા. 18 તારીખે શૈલેષ કળથિયા, તેની પત્ની શીતલ, પુત્ર અને પુત્રી નીતિ મુંબઈથી નીકળ્યા હતા. 23 એપ્રિલના રોજ શૈલેષનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી કરવા માટે કાશ્મીર ગયા હતા. 24 એપ્રિલના રોજ તેમની શ્રીનગરથી મુંબઈની ફ્લાઈટ હતી. 22 એપ્રિલના રોજ પહલગામ ગયા હતા
18 એપ્રિલના રોજ આ કળથિયા પરિવાર શ્રીનગર પહોંચ્યો હતો. શ્રીનગરન ટ્યૂલિપ ગાર્ડન, મુગલ ગાર્ડન ફર્યા બાદ ત્યાં જ નાઈટ સ્ટે કર્યો હતો. 19 એપ્રિલ સોનમર્ગ ગયા હતા અને રાત્રિ રોકાણ શ્રીનગરમાં કર્યું હતું. 20 એપ્રિલના રોજ ગુલમર્ગ ગયા હતા અને ત્યાં જ સ્ટે કર્યો હતો. 21 એપ્રિલ સિકરા રાઇડ બોટ હાઉસમાં સ્ટે કર્યો હતો. ત્યારબાદ 22 એપ્રિલના રોજ પહલગામ ગયા હતા. ક્રૂરતાના દૃશ્યો મૃતકના સંતાનોએ પણ નજરે જોયા હતા
પહલગામ પહોંચ્યા એ પછી ફક્ત 15 મિનિટમાં જ બૈછરનની હરિયાળી જગ્યાને આતંકીઓએ ઘેરી લીધી હતી. બે દાઢીધારી આતંકીઓ તદ્દન નજીક ધસી આવીને હુમલો કર્યો હતો. આતંકીઓએ પર્યટકોને કલમા પઢવાનું કહીને મુસ્લિમ હોય એવાને જુદા તારવી દીધા હતા. ત્યારબાદ શૈલેષને બેથી ત્રણ ફૂટ દૂરથી શરીરની છાતીમાં બે ગોળી ધરબી દીધી હતી. જેથી બેભાન અવસ્થામાં તેઓ પત્નીના ખોળામાં લોહીથી લથબથ હાલતમાં પડી ગયા હતા. આ સમગ્ર ક્રૂરતા દૃશ્યો સંતાનો એ પણ જોયા હતા. તસ્વીરમાં જમણેથી બીજા આતંકવાદીએ શૈલેષેને ગોળી મારી હતી
મૃતક શૈલેષ કળથિયાની પત્નીના જણાવ્યા પ્રમાણે આ જે આતંકી હતા, તેઓએ લીલો કુર્તો અને પાયજામો પહેર્યો હતો. હાલ જે આતંકવાદીઓની તસ્વીર સામે આવી છે, તે પૈકીના જમણેથી બીજો જે આતંકવાદી છે તેણે જ શૈલેષેને ગોળી મારી હતી. આ તસવીરમાં તેણે બ્લુ કપડાં પહેર્યા છે જ્યારે તેણે આતંક મચાવ્યો ત્યારે લીલા કલરના કુર્તો પહેર્યો હતો. તસવીરમાં જે પ્રમાણે તેની કોટી દેખાય છે તે પણ પહેરેલી હતી. આ સાથે માથા પર ટોપી પહેરેલી હતી. જેમાં એક કેમેરો પણ હતો. કેમેરાથી આતંકના દૃશ્યો આતંકવાદીઓએ આકાઓ સુધી પહોંચાડ્યાની આશંકા
આ આતંકવાદીએ જ્યારે શૈલેષને ગોળી મારી ત્યારબાદ તે પત્નીના ખોળામાં ઢળી પડ્યો હતો. શૈલેષ ઢળી પડ્યા બાદ બે મિનિટ સુધી આતંકવાદી ત્યાં તેની સામે જ હસતો રહ્યો હતો. જેને ગોળી મારી છે તે મર્યો છે કે નહીં તે જોઈ રહ્યો હતો. આ સાથે તેની ટોપીમાં રહેલા કેમેરાથી આતંકના દ્રશ્યો પણ આતંકવાદીઓના આકાઓ જોઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું હતું. માત્ર હિન્દુ ભાઈઓને ગોળીઓ મારવામાં આવી હતી. તેના બાળકો સહિતના અન્ય પરિવારજનોને કંઈ પણ કરવામાં આવ્યું નહોતું. આ પણ વાંચોઃ ‘આતંકીએ ગોળી મારી’ને મારા પતિ મારા ખોળામાં પડ્યા’:મારી નજર સામે હિન્દુભાઈઓને અલગ કરી ધડાધડ ગોળી મારી, હુમલામાં પતિને ગુમાવનાર શીતલબેનની આંખોદેખી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણ ગુજરાતીઓ પૈકી 2ની ભાવનગરમાં અને એકની સુરતમાં ગુરુવારે (24 એપ્રિલે) અંતિમવિધિ કરવામાં આવી હતી. આતંકીની ગોળીથી મૃત્યુ પામેલા ત્રણ ગુજરાતીમાં સામેલ મૂળ સુરતના શૈલેષ કળથિયાનાં પત્ની શીતલબેન કળથિયાએ 22મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની હચમચાવી નાખતી આંખોદેખી ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ વર્ણવી હતી.