કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે બેંગલુરુમાં જણાવ્યું હતું કે પહેલગામ હુમલા પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજર હતા. વડાપ્રધાન મોદીને પણ આવવું જોઈતું હતું, પણ તેઓ આવ્યા નહીં. અમે બેઠકમાં સૌથી પહેલા આ જ સવાલ ઉઠાવ્યો હતો. ખડગેએ કહ્યું- જ્યારે દેશમાં 26 લોકો માર્યા જાય છે અને ઘણા ઘાયલ થાય છે, ત્યારે પણ સર્વપક્ષીય બેઠક પ્રત્યે PMનું વલણ યોગ્ય નથી. તે સમયે મોદી બિહારમાં ચૂંટણી રેલીને સંબોધવામાં વ્યસ્ત હતા. જો તેઓ બેઠકમાં હાજરી આપી રહ્યા નથી તો તેનો અર્થ એ કે તે તેના પ્રત્યે ગંભીર નથી. 24 એપ્રિલના રોજ, પહેલગામ હુમલા અંગે સંસદ એનેક્સીમાં 2 કલાક સુધી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. તેની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી હતી. જેમાં અમિત શાહ, એસ જયશંકર, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. 22 એપ્રિલના રોજ, પહેલગામ નજીક બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. તેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થતો હતો. 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. કેન્દ્ર સરકારે શનિવારે પહેલગામ હુમલાની તપાસ NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી)ને સોંપી દીધી છે. સરકારે સ્વીકાર્યું કે પહેલગામ હુમલામાં સુરક્ષામાં ખામી હતી સર્વપક્ષીય બેઠકમાં, કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે પહેલગામ હુમલામાં સુરક્ષામાં ખામી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આઈબી અને ગૃહ મંત્રાલયના અધિકારીઓએ બેઠકમાં સુરક્ષામાં ખામી અંગે વિપક્ષી નેતાઓને માહિતી આપી હતી. વિપક્ષે કહ્યું કે તેઓ સરકારની સાથે છે. વિપક્ષી સાંસદોએ આતંકવાદી કેમ્પોનો નાશ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે સરકારે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું – અમે સરકારના દરેક પગલા પર સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. સર્વપક્ષીય બેઠક બે કલાક સુધી ચાલી. સભામાં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ખડગેએ કહ્યું- અમે આ મુદ્દા પર એક છીએ સર્વપક્ષીય બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોના લોકો આવ્યા હતા. અમે કહ્યું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી જરૂરી હતી કારણ કે અંતિમ નિર્ણય તેઓ લેશે. મંત્રીઓએ કહ્યું કે અમે આજની બેઠકના તારણો વિશે વડાપ્રધાનને જણાવીશું. આપણે કહ્યું હતું કે કોઈને કહેવું એક વાત છે અને કોઈની વાત જાતે સાંભળવી અને પછી નિર્ણય લેવો એ બીજી વાત છે. અમે કહ્યું કે ત્યાં ત્રણ સ્તરીય સુરક્ષા છે, તો પછી સુરક્ષામાં ખામી કેવી રીતે સર્જાઈ? એક હજાર લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ સુરક્ષા નિષ્ફળતા અને ગુપ્તચર તંત્રની બેદરકારી છે. આતંકવાદી હુમલો થયો, સરકારે ઝડપી પગલાં લેવા પડ્યા, જે લેવામાં આવ્યા નહીં. બધા નેતાઓએ સાથે મળીને કહ્યું કે સરકાર દેશના હિતમાં જે પણ નિર્ણય લેશે, અમે તેની સાથે છીએ. આ મુદ્દા પર આપણે બધા એક છીએ. Topics: