રાજકોટમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થતા ભીષણ ગરમી પડી રહી છે. ગઈકાલે જ તાપમાનનો પારો 43.9 ડિગ્રી પહોંચ્યો હતો. આગામી 4 દિવસ માટે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમીમાં વધારો થતાં હીટવેવની અસર થવાના કિસ્સાઓ પણ વધતા હોય છે. ત્યારે મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ ગરમીથી બચવા માટેના મહત્વના સૂચનો આપ્યા છે. જેમાં શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવાની અપીલ તેમણે કરી છે. રાજકોટનું તાપમાન સૌથી વધુ, લોકોએ સાવચેત રહેવુંઃ ડો. જયેશ વાંકાણી
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, હાલ હીટવેવની આગાહી છે. આમ જોઈએ તો અગાઉ બે યલો એલર્ટ પણ જાહેર થઈ ચૂક્યા છે. રાજકોટ શહેરનું તાપમાન અન્ય રાજ્યોની તુલનાએ સતત સૌથી વધુ નોંધાઈ રહ્યું છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. ત્યારે હીટ રિલેટેડ બીમારીના લક્ષણો જણાય તો લોકોએ તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવો જોઈએ. બપોરના સમયે ખૂબ જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું જરૂરી છે. તેમજ બહાર જવાનું થાય તો ટોપી, રૂમાલ અને ગોગલ્સ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જરૂરી છે. ‘લીંબુપાણી કે નારિયળ પાણી પીવું વધારે હિતાવહ’
સામાન્ય રીતે લોકો ઠંડા પીણાઓ પીતા હોય છે, પરંતુ બહારનાં કાર્બોનેટેડ ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા હોય છે. ત્યારે દર કલાકે એકથી દોઢ ગ્લાસ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત છાશ, લીંબુપાણી કે નારિયળ પાણી પીવું વધારે હિતાવહ છે. ખાસ કરીને બાળકો અને વયોવૃદ્ધ લોકો તેમજ સગર્ભા બહેનોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાઇટ પર કામ કરતા હોય તેવા લોકોએ બપોરના સમયે ખાસ આરામ કરવો જોઈએ. જેની સામે વહેલી સવાર અથવા સાંજનાં સમયે કામ કરવું જોઈએ. ‘સંગ્રહેલો ખોરાક કે ગ્રેવીવાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ’
ઉનાળામાં કેવો ખોરાક લેવો હિતાવહ છે તે જણાવતા ડો. વાંકાણીએ કહ્યું હતું કે, અત્યારે ભારે ગરમીના કારણે ખોરાક બગડી જવાની શક્યતા વધુ હોય છે. ખોરાકમાં ફંગલ અને બેક્ટેરિયા ઝડપથી ડેવલોપ થાય છે. ત્યારે જરાપણ ફૂગ હોય તેવો વાસી ખોરાક લેવાનું ટાળવું પણ જરૂરી છે. બની શકે તો ઘરે બનાવેલો હોય તેવો તાજો અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. સંગ્રહેલો ખોરાક કે ગ્રેવીવાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. બની શકે તો જે વસ્તુ બગડી જવાની શક્યતા વધુ હોય તેનું સેવન કરવાનું ટાળવું જરૂરી છે. જેમાં રબડી, અને દૂધની બધી વસ્તુઓ બગડી જવાની શક્યતા વધુ હોય તેનો ઉપયોગ ટાળવો જરૂરી છે. 27 એપ્રિલથી 1 મે સુધી હીટવેવની શક્યતાં
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટનુ મહતમ તાપમાન 43.9 ડિગ્રી નોંધાયુ હતું, તે નોર્મલ કરતા ચાર ડિગ્રી વધુ હતું. આગામી 27 એપ્રિલથી 1 મે દરમિયાન હીટવેવનો માહોલ સર્જાવાની સંભાવના છે. જેમાં તાપમાનનો પારો 44થી 45 ડિગ્રી થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતનાં કેટલાંક સેન્ટરોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. મહિનાનાં અંતિમ દિવસોમા ભીષણ ગરમી રહે તેવી પૂરતી શકયતા છે. આ સમયગાળામાં પવન પશ્ચિમી દિશાના અને 10થી 15 કિમીની ઝડપના હશે. ઝાટકાના પવનની ગતિ 20થી 35 કિમીની રહી શકે છે. બપોર પછી પવનનું જોર રહેશે. આ સિવાય કચ્છ ઉપરાંત પશ્વિમ સૌરાષ્ટ્રમાં સવારે ભેજનુ પ્રમાણ વધુ રહેશે અને ઝાકળ બીંદુ સર્જાવાની શક્યતા છે.