સુરત શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક સંબંધી સમસ્યાઓ વધતી જઈ રહી છે. ખાસ કરીને ઘણા ઓટોરિક્ષાના ચાલકો પોતાની રિક્ષામાં લાઉડ-સ્પીકર લગાવીને ઊંચા અવાજે ગીતો વગાડતા હોય છે, જેના કારણે અન્ય વાહનચાલકોને મુશ્કેલી પડતી હોય છે. ક્યારેક તો અકસ્માત અને ઘર્ષણની ઘટનાઓ પણ બનાતી હોય છે. આ સમસ્યાને ગંભીરતાથી લેતા સુરત શહેર ટ્રાફિક વિભાગે વિશિષ્ટ ડ્રાઇવ હાથ ધરી હતી. ટ્રાફિક વિભાગ દ્વારા 12 એપ્રિલથી શરૂ કરાયેલ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિશિષ્ટ ડ્રાઇવ માટે 40થી વધુ ટીમો બનાવાઈ હતી. આ ટીમે શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતી વાહનો પર નજર રાખી હતી. લાઉડ-સ્પીકર વગાવનાર રિક્ષાચાલકો દંડાયા
સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ઓટો રિક્ષાઓમાં લાઉડ-સ્પીકર લગાવવાના કુલ 229 કેસ નોંધાયા છે. ટ્રાફિક વિભાગે સ્પષ્ટતા કરી છે કે, જાહેર માર્ગો પર અવાજથી ધ્વનિ પ્રદૂષણ કરનાર આવા લાઉડ-સ્પીકરથી સજ્જ ઑટો-રિક્ષાઓ ટ્રાફિક માટે ગંભીર અડચણ ઊભી કરે છે અને નાગરિકોને મુશ્કેલીમાં મુકે છે. માત્ર અવાજ પૂરતો નહીં, પરંતુ આવા અવ્યવસ્થિત અવાજના કારણે અન્ય વાહનચાલકોનું ધ્યાન ભટકે છે અને અકસ્માતની શક્યતા વધી શકે છે. લાઇસન્સ રદ્દ કરવાની પણ કાર્યવાહી થશે
ટ્રાફિક વિભાગના જણાવ્યા મુજબ, આવા કેસોમાં ધોરણસર દંડ ફટકારવામાં આવ્યો છે. આવતા સમયમાં આવા નિયમભંગ કરતી રિક્ષાઓ વિરુદ્ધ વધુ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, લાઉડ-સ્પીકર વાપરતા રિક્ષાચાલકોના વાહનો સામે પગલાં રૂપે તેમના વાહનના લાઇસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ શક્ય બને છે, જો તેઓ પુનરાવૃત્તિ કરશે. ફેન્સી નંબર પ્લેટ મામલે 1,684 વાહનચાલક સામે કાર્યવાહી
આ સ્પે. ડ્રાઇવ અંતર્ગત અન્ય વિવિધ પ્રકારના ટ્રાફિક નિયમો ભંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ છે. જેમાં ડાર્ક-ફિલ્મ લગાવેલા 955 વાહનો, ફેન્સી નંબર પ્લેટ ધરાવતા 1,684 વાહનો, ટૂ-વ્હીલર ઉપર ત્રણ કે તેથી વધુ લોકો બેસાડનારા 618 વાહનચાલક, નશામાં વાહન ચલાવનાર 10 વાહનચાલક અને રોંગ-સાઇડ ચલાવનારા 138 વાહનચાલકનો સમાવેશ થાય છે. ઉપરાંત ટ્રાફિક નિયમો ભંગ કરતા 35 ભારદારી વાહન વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. 13 દિવસમાં 3,669 વાહનચાલકો દંડાયા
કુલ મળીને 12 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ટ્રાફિક વિભાગે 3,669 વાહનચાલકો વિરુદ્ધ ધોરણસર પગલાં લીધા છે. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, શહેરના ટ્રાફિક વ્યવસ્થાને વધુ સજાગ અને સુચારૂ બનાવવા માટે આવનારા સમયમાં પણ આવા સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ રહેશે. ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે ટ્રાફિક વિભાગે લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે. પોતાના વાહન પર ડાર્ક ફિલ્મ ન લગાવે. લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરે અને વાહન ચલાવતી વખતે સંપૂર્ણ રીતે કાયદાનો આદર કરે, જેથી સુરત શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બને.