Rahul Gandhi Expressed Objection : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઇ ગયું છે, 26 જૂન-1975માં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા દેશમાં લાગુ કરાયેલી કટોકટીને બુધવારે સંસદમાં યાદ કરવામાં આવી હતી. એટલું જ નહીં કટોકટીના વિરુદ્ધમાં સંસદમાં ઠરાવ પસાર કરાયો અને મૌન પાળવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને કારણે સંસદની કાર્યવાહીને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કટોકટી વિરુદ્ધના ઠરાવને વાંચવાનું શરૂ કર્યું અને તેને ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવી હતી, આ સમયે વિપક્ષના સાંસદો જગ્યા પર ઉભા થઇને ઉગ્ર નારા લગાવવા લાગ્યા હતા. હવે આ મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આપણે આવા રાજકીય પ્રસ્તાવોથી બચવું જોઈએ.
રાહુલે કટોકટીના વિરુદ્ધનાં ઠરાવનો વિરોધ ઉઠાવ્યો
લોકસભામાં કટોકટીની નિંદા વિરુદ્ધનો ઠરાવ પસાર કરાતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ નારાજગીર વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અધ્યક્ષે આવો રાજકીય પ્રેરિક પ્રસ્તાવ ન લાવવો જોઈએ અને તેમણે તેનાથી બચવું જોઈતું હતું. દરમિયાન રાહુલ ગાંધીએ ઈન્ડિ ગઠબંધન (I.N.D.I. Alliance)ના નેતાઓ સાથે આજે અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)ની મુલાકાત કરી હતી. આ ઉપરાંત આજે લોકસભામાં શરૂ થયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ કટોકટી વિરુદ્ધના ઠરાવથી વાંધો વ્યક્ત કર્યો છે.
ભાજપ-કેન્દ્ર લોકસભાનો માહોલ બગાડવા માંગે છે : કોંગ્રેસ મહાસચિવ
કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે (K.C.Venugopal) પણ કટોકટી વિરુદ્ધના ઠરાવનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જે રીતે કટોકટીની વાત કહી, તે આશ્ચર્યજનક છે. સરકારે જાણીજોઈને આજનો દિવસ પસંદ કર્યો છે. આજે ગૃહનો માહોલ સારો હતો, આજે અધ્યક્ષની ચૂંટણી યોજાવાની હતી, જોકે ભાજપ અને કેન્દ્ર સરકાર આ માહોલને બગાડવા માંગતી હતી.’
આ પણ વાંચો : કટોકટી મુદ્દે બે મિનિટના મૌનથી સંસદમાં શોરબકોર
અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) કટોકટીની નિંદાના પ્રસ્તાવ પર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભાજપે આજે જે પણ કર્યું છે તે માત્ર દેખાડો છે. કટોકટી સમયે માત્ર તેઓ જ જેલમાં ગયા ન હતા, સમાજવાદી પાર્ટીના અને અન્ય નેતાઓએ પણ તે સમય જોયો હતો. આપણે ક્યાં સુધી ભૂતકાળ તરફ જોતા રહીશું? શું ભાજપ લોકશાહી રક્ષક લડવૈયાઓને અપાતા ભથ્થામાં વધારો કરશે?
આ પણ વાંચો : સંસદમાંથી સેંગોલને હટાવવાની માંગ કરતો વિપક્ષ, શું છે રાજદંડનું ઐતિહાસિક મહત્ત્વ?
અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભામાં શું કહ્યું હતું?
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઠરાવ વાંચતા કહ્યું હતું કે, 26 જૂન, 1975ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકારમાં વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાગુ કરીને સમગ્ર દેશને જેલમાં ફેરવી નાખ્યો હતો. તે સમયે વિપક્ષના અનેક નેતાઓને જેલમાં કેદ કરી લેવાયા હતા. મીડિયા અને ન્યાય પાલિકા પર પ્રતિબંધો લાગુ કરી દેવાયા હતા. હવે આજે જ્યારે આપણે કટોકટી લાગુ કરી તેના ૫૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે 18મી લોકસભા લોકશાહી અને બંધારણ બચાવવા માટે કટિબદ્ધ છે. સ્પીકર ઓમ બિરલા અને ભાજપના સાંસદો દ્વારા કટોકટીના વિરુદ્ધમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : લોકસભામાં વિપક્ષ નેતાનું પદ અપશુકનિયાળ? 14માંથી 13 નેતા ન બની શક્યા દેશના વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ અધ્યક્ષનો માન્યો આભાર
આ દરમિયાન વિપક્ષના સાંસદો ખાસ કરીને કોંગ્રેસના સાંસદો પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લોકસભામાં કટોકટીના કાળને યાદ કરવા બદલ અધ્યક્ષ ઓમ બિરલાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે દેશના યુવાઓએ એ જાણવુ જરૂરી છે કે જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવે છે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
આ પણ વાંચો : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી AIIMS હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, જાણો કેવી છે તબિયત