– નિષ્ઠુરતા દાખવનાર શેઠ સામે કઠોર પગલાં લેવાશે : મેલોની
– ખેતરમાં કામ કરતા સતનામસિંહનો મશીનમાં હાથ કપાઈ ગયા પછી, શેઠે મોટરમાં લઈ જઈ તેનાં ઘર પાસે પડતો મૂકી દીધો હોસ્પિટલ ન લઈ ગયો
રોમ : ભારતીય કામદારનું ઇટાલીનાં ખેતરમાં કામ કરતાં હાથ કપાઈ જતાં તેના શેઠે તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે કામદારને તેના ઘર પાસે જ પડતો મુકી મોટર મારી મુકી હતી પરિણામે તેનું નિધન પણ થયું હતું. આ મુદ્દો ઇટાલીની પાર્લામેન્ટની આજથી શરૂ થયેલી સેશનમાં જાગ્યો હતો અને સાંસદોએ મૌન પાળી તેને શ્રદ્ધાંજલી અર્પી હતી. જ્યારે ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ કહ્યું હતું કે, આવી નિષ્ઠુરતા દર્શાવવા માટે તે કામદારના શેઠ ઉપર કઠોરમાંથી કઠોર પગલાં લેવામાં આવશે.
આ સમગ્ર ઘટનાની હકીકત તેવી છે કે ગત સપ્તાહે પંજાબનો સતનામસિંહ રોમ પાસેનાં લાઝીયો ગામે એક શાક-ભાજીનાં ખેતરમાં કામ કરતો હતો. ત્યાં એક મશીનમાં તેનો હાથ આવી જતાં હાથ સમૂળો કપાઈ ગયો. તે પછી તે ખેતરના માલિકે તેને અને તેની પત્નીને મોટરમાં બેસાડી હોસ્પિટલમાં લઈ જવાને બદલે તેમનાં ઘર પાસે જ પડતાં મુકી દીધાં ત્યારે હજી પણ જીવંત રહેલો સતનામસિંહ તે શેઠને અને આજુબાજુના લોકોને સહાય માટે બૂમો પાડતો હતો પરંતુ શેઠે તો મોટર જ મારી મુકી હતી.
આ પછી વેદનાને લીધે તેનું નિધન થયું હતું તેમ સતનામસિંહના પાડોશીઓએ પત્રકારોને જણાવ્યું હતું.
આ માહિતી મળતાં ભારતનાં વિદેશ મંત્રાલયના એક સચિવ મુકેશ પરદેશીએ ઇટાલીના ડીરેક્ટર જનરલ ઓફ ઇટાલિયન સીટીઝન્સ એબ્રોડ એન્ડ માઈગ્રેશન પોલીસીઝના બુઈગી વિગ્નાવિનો સંપર્ક સાધ્યો હતો અને સતનામ સિંહનાં મૃત્યુ માટે જવાબદાર સામે તત્કાળ પગલાં લેવા અનુરોધ પૂર્વક જણાવ્યું હતું. ભારતીય દૂતાવાસ મૃતકનાં કુટુંબના સંપર્કમાં છે અને મૃતકના નશ્વરદેહને ભારત લાવવામાં તમામ સહાય કરવા કહ્યું છે.
સતનામસિંહે જે ખેતરમાં કામ કરતો હતો તેના માલિકે નિષ્ઠુર જવાબ આપતાં પત્રકારોને કહ્યું હતું કે તે માણસ સેલ પર ન હતો છૂટક કામદાર હતો તેથી અમે તેને માટે જવાબદાર નથી.