અમદાવાદ,ગુરુવાર,27
જુન,2024
અમદાવાદના ચેનપુર વિસ્તારમાં આવેલા તળાવ ખાતે ગુરુવારે
વૃક્ષારોપણ કરવા પહોંચેલા રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટરો અને સ્થાનિકો વચ્ચે
વિકાસને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી.બાદમાં કોર્પોરેટરો સ્થળ છોડવા મજબુર બન્યા
હતા.પંદર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં ચેનપુરનો સમાવેશ થયો હોવાછતાં વિકાસ
નહીં થતો હોવાના મુદ્દે ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો હતો.ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ
બચાવ કરતા ભાજપના કોર્પોરેટરે કહયુ,અમારે
બીજે કાર્યક્રમ હોવાથી ત્યાંથી રવાના થયા હતા. ગ્રામજનોએ કોર્પોરેટરો માત્ર ફોટા
પડાવવા આવતા હોવાનો પણ આક્રોશ વ્યકત કર્યો હતો.
ગાંધીનગર લોકસભા અને સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા
રાણીપવોર્ડના ચેનપુર તળાવ પાસે ગુરુવારે સવારે ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ,ભાવિનીબહેન પંચાલ
તથા ગીતા બહેન પટેલ વૃક્ષારોપણ કરવા તથા તળાવની સાફ સફાઈ માટે પહોંચ્યા હોવાની
સ્થાનિકોને જાણ થતા મોટી સંખ્યામા ગ્રામજનોએ એકઠા થઈ કોર્પોરેટરોને રજુઆત કરી હતી
કે,પંદર વર્ષ થઈ ગયા
છતાં ગામમા કોઈ વિકાસ થયો નથી.તળાવના વિકાસ માટે કરોડો રુપિયાની ફાળવણી કરવામા આવે
છે.છતાં હજુ સુધી ગામનુ તળાવ બન્યુ નથી.ગ્રામજનોની ઉગ્ર રજુઆત બાદ ત્રણે
કોર્પોરેટરોએ અમે કામ કરીએ છીએ કહી ચાલતી પકડી હતી.રાણીપ વોર્ડના ભાજપના
કોર્પોરેટર દશરથભાઈ પટેલે વિવાદ અંગે કહયુ,ગામના
વિકાસકામ અને તળાવનુ કામ પણ ચાલુ છે.સ્થાનિકોના કહેવા મુજબ, ચેનપુર ગામમા
કોર્પોરેટરો આજદિન સુધી જોવા આવ્યા નથી.અવારનવાર સ્માર્ટસીટી અને વિકાસની દુહાઈ
દેતા સત્તાધીશોને ગુરુવારે ચેનપુર ગામના લોકોએ વાસ્તવિકતા બતાવી દીધી હતી.