– બંનેની ફલાઇટ અલગ અલગ હોઇ ઇન્સ્ટા પર મેસેજની આપ-લે
મુંબઇ : તાજેતરમાં જેમના લગ્ન થયા છે તે ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિંહા અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નમાં મહાલીને હનીમૂનનો બીજો રાઉન્ડ કરવા માટે ફિલિપાઇન્સ પહોંચી ગયા છે. મજાની વાત એ છે કે આ નવપરિણિતોને એક ફલાઇટમાં સાથે પ્રવાસ કરવા ન મળતાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેમની રસિક કથા જાહેર કરી છે. સોનાક્ષીએ ઇન્સ્ટા પર શેર કર્યું હતું કે તેઓ હવે થોડાં દિવસો ફિલિપાઇન્સમાં ગાળવાના છે. સોનાક્ષીએ તો ફિલિપાઇન્સ પહોંચી જઇ ત્યાંના ફોટા પર ઇન્સ્ટા પર મુકી દીધાં. પણ ઝહીર હજી ફલાઇટમાં જ હતો. સોનાક્ષીએ લીલાછમ જંગલમાં આવેલાં પુલની તસવીરો ઇન્સ્ટા પર મુકી કેપ્શન લખી છે કે હનીમૂન રાઉન્ડ ટુ. પછી કેપ્શનની નીચે લખ્યું છે કે હવે હું ઝહીરની રાહ જોઉં છું કેમ કે અમારે અલગ અલગ ફ્લાઇટ લેવી પડી હતી. જવાબમાં ઝહીરે આ ફોટાને રિપોસ્ટ કરી જણાવ્યું હતું કે દિવાના ઓન હીઝ વે. પછી તેણે દિવાના મેં ચલા ગીતને પણ ટેગ કર્યું છે.
આ મહિનાના આરંભે સોનાક્ષીએ ઝહીર સાથે રોમેન્ટિક હનીમૂનના ઘણાં ફોટા શેર કર્યા હતા પણ જગ્યાનું નામ જણાવ્યું નહોતું. આ ફોટાઓમાં સોનાક્ષી અને ઝહીર બહુમાળી ઇમારતોની ટોચે આવેલાં સ્વિમિંગ પુલમાં સૂર્યાસ્તની મોજ માણી રહ્યા હોય તેમ જણાતું હતું.
સોનાક્ષી અને ઝહીરે ૨૩ જુને લગ્ન કર્યા હતા અને સિવિલ સેરેમની બાદ બાસ્તિયન ખાતે પાર્ટી રાખી હતી જેમાં રેખા, સલમાન ખાન, કાજોલ અને રિચા ચડઢ સહિત ઘણી બોલીવૂડની સેલિબ્રિટીઓ હાજર રહી હતી.