નવી દિલ્હી : ભારતમાં ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા ઝડપથી વધી રહી છે, તેથી દેશમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ વર્તમાન સ્તરથી બમણું થઈને ૨૦૩૦ સુધીમાં ૭ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
‘હાઉ અર્બન ઈન્ડિયન્સ પે’ રિપોર્ટમાં જણાવાયું છે કે ઓનલાઈન ખરીદીમાં ડિજીટલ પેમેન્ટને અપનાવવાથી ગ્રાહકોના વર્તનમાં કાયમી ફેરફારો થવાની સંભાવના છે, જે ઓફલાઈન ખરીદીને પણ વેગ આપશે.
સર્વેક્ષણમાં સામેલ ૯૦ ટકા લોકોએ ઓનલાઈન ખરીદી કરતી વખતે ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપ્યું હતું, પરંતુ સમૃદ્ધ ગ્રાહકોએ સૌથી વધુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કર્યો હતો. આવા ગ્રાહકો તેમના ૮૦ ટકા વ્યવહારો માટે વિવિધ ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુવાન પેઢી તમામ પ્રકારના ડિજિટલ પેમેન્ટ ઇન્સ્ટ્મેન્ટને અપનાવવામાં અગ્રેસર છે. પુરુષો અને સ્ત્રીઓ બંને તેમના લગભગ ૭૨ ટકા વ્યવહારોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે, જે લિંગ સમાનતાને પ્રતિબિંબિત કરે છે.
આ સંશોધન ૧૨૦ શહેરોમાં ૬,૦૦૦થી વધુ વપરાશકારો અને ૧,૦૦૦થી વધુ વેપારીઓ વચ્ચે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે કરવામાં આવેલ ઓનલાઈન સર્વેક્ષણ પર આધારિત છે.
ભારતમાં ૨૦૨૨ માં ૭૫ થી ૮૦ બિલિયન ડોલરની બજાર કિંમત સાથે ઈ-કોમર્સ સેક્ટરમાં તેજી જોવા મળી છે. તે ૨૦૩૦ સુધી વાર્ષિક ૨૧ ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે.