વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રણજીતપુરા હાઈસ્કૂલના શિક્ષકે શાળાની જ વિદ્યાથનીની છેડતી કરી હતી. જેના પગલે વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને શાળા પર હલ્લાબોલ કરી લંપટ શિક્ષકને મેથીપાક ચખાડયો હતો. વાલીઓએ શાળામાં ભારે તોડફોડ કરી હતી. જોકે, સમયસર પહોંચેલી પોલીસે મામલો થાળે પાડયો હતો અને શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિરપુરની રણજીતપુરા હાઈસ્કૂલના શિક્ષક પ્રશાંત વિઠ્ઠલ પટેલ (રહે. રણજીતપુરા, કંપા, તા. વિરપુર)એ વિદ્યાથનીની છેડતી કરી હોવાના મુદ્દે વાલીઓના ટોળે ટોળાં શાળા પર ઉમટી પડયાં હતાં. વાલીઓએ હોબાળો કરી શિક્ષક પ્રશાંત પટેલને માર મારવાનો શરૂ કર્યો હતો.
આ મામલે પોલીસને જાણ થતાં તત્કાલિન વીરપુર પોલીસ રણજીતપુરા શાળા ખાતે પહોંચી હતી અને મામલાને થાળે પાડયો હતો. આ મુદ્દે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આખરે પોલીસે વાલીની ફરિયાદના આધારે શિક્ષક પ્રશાંત પટેલ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં વાલીએ જણાવ્યું હતું કે, પ્રશાંત વારંવાર વિદ્યાથની સાથે જબરજસ્તી કરતો હતો અને તું મારી સાથે બોલ અને તું મને ઘરે જઇ મેસેજ કરજે. તેવું કહી ડરાવતો અને ધમકાવતો હતો.
ઉપરાંત વિદ્યાથની શનિવારે વહેલી સવારે શાળામાં પ્રશાંતે કોઇ ન હોવાથી તકનો લાભ લઇ વિદ્યાથનીનો હાથ પકડી તું મારી સાથે બોલીશ નહીં કે મેસેજ નહીં કરે તો જાનથી મારી નાંખી તલાવડીમાં ફેંકી દઇશ તેવી ધમકી આપી હતી. આ અંગે વિરપુર પોલીસે ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રાયોટિંગ અને પોક્સો હેઠળ બે ફરિયાદો નોંધી
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાથનીની શિક્ષક દ્વારા છેડતી અને મોબાઈલમાં વારંવાર મેસેજના મુદ્દે હાઈસ્કૂલમાં ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં ગ્રામજનોએ શિક્ષકને મેથીપાક ચખાડયો હતો. રોષે ભરાયેલા ટોળાએ હાઈસ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. ત્યારે પોલીસે ટોળા સામે રાયોટીંગ અને શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. શિક્ષક પ્રશાંત પટેલને વિદ્યાર્થિની છેડતીના ગુનામાં પોલીસે ગુન્હો નોંધી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ હાઈસ્કૂલની ઓફિસમાં તોડફોડ તેમજ પોલીસની ગાડી પર પથ્થર મારો કરી સરકારી ગાડીને નુકશાન તેમજ મકાન પર પથ્થર મારો કરી નુકસાન પહોંચાડતા વિકેશ પરમાર રહે. ખરોડ (૨)રિકેશ મહેરા. રહે. ખરોડ મહેરા વાસ (૩)મથુરભાઈ કાનાભાઇનો છોકરો તેમજ અન્ય 200 લોકોના ટોળા વિરુદ્ધ શિક્ષક પ્રશાંત પટેલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.