– દક્ષિણ કોરિયાના મીડિયાનો મોટો આક્ષેપ
– ઉ. કોરિયામાં દ. કોરિયાના ડ્રામા કે અન્ય મનોરંજન વીડિયો જોવા પર પ્રતિબંધ હોવાથી સજા આપી હોવાનો દાવો
સેઉલ : દક્ષિણ કોરિયાના મીડિયાએ દાવો કર્યો છે કે અમારા દેશની સીરિયલ અને અન્ય ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયાએ પોતાના જ દેશના ૩૦ બાળકોની હત્યા કરાવી છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. એવા સમયે દક્ષિણ કોરિયન મીડિયાના આ દાવાથી બન્ને દેશો વચ્ચે રાજકારણ ગરમાયું છે.
દક્ષિણ કોરિયાના મીડિયા ચોસન ટીવી અને કોરિયા જૂંગએંગ ડેઇલીનો દાવો છે કે દક્ષિણ કોરિયન ટીવી ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયાએ પોતાના દેશના ૩૦ બાળકોને મૃત્યુદંડ આપ્યો હતો. જોકે આ દાવાને લઇને કોઇ ચોક્કસ આધાર પુરાવો જાહેર કરવામાં નથી આવ્યો. દક્ષિણ કોરિયા પોતાની કળા અને સ્વતંત્રતાને લઇને ચર્ચામાં રહેતુ હોય છે, જ્યારે તેનાથી વિપરીત ઉત્તર કોરિયા પર કિમ જોંગ ઉનનો પુરો કન્ટ્રોલ છે અને સ્થાનિક માહિતી બહાર આવવી પણ મુશ્કેલ છે.
આ વર્ષે જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો હતો. બન્ને દેશો વચ્ચેના વિવાદ વચ્ચે ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાના મનોરંજન સહિતના ટીવી ડ્રામા સીરિયલો વગેરે જોવા ગેરકાયદે જાહેર કર્યું હતું. દક્ષિણ કોરિયાની ટીવી સીરિયલો પર પ્રતિબંધ છે, જોકે તેમ છતા પેન ડ્રાઇવ કે અન્ય ડિવાઇસની મદદથી આ ડ્રામા ઉત્તર કોરિયા પહોંચી જતા હોય છે અને લોકો તેનો આનંદ પણ લેતા હોય છે. એવામાં દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે સ્કૂલના વિદ્યાર્થીઓ અમારા દેશના ટીવી ડ્રામા જોતા હતા જેને કારણે આશરે ૩૦ જેટલા વિદ્યાર્થીઓને મૃત્યુદંડ અપાયો છે. જોકે આ રિપોર્ટને લઇને ઉત્તર કોરિયા દ્વારા કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી.