– પોપડો પડવાના મુદ્દે ગ્રામજનોની ફરિયાદ નથી
– શિક્ષકની બદલી રોકવા ગ્રામજનો અને એસએમસીના સભ્યોની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત
ઠાસરા તાલુકાના દિપકપુરાના ગ્રામજનો તથા શાળાના એસએમસી સભ્યોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, દીપકપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં પોપડો પડતાં ઉભા થયેલા પ્રશ્ન બાબતે ગ્રામજનો કે વાલીઓને શાળાના સ્ટાફ કે આચાર્ય તરફથી કોઈ ફરિયાદ નથી. શાળામાં આચાર્ય તરીકે વિક્રમભાઈના આવવાથી અમારી શાળાના બાળકોના શિક્ષણમાં ઘણો જ સુધારો જોવા મળેલો છે. વધુમાં પોપડો પડવો એ આકસ્મિક ઘટના હતી, વિક્રમભાઈ અમારી શાળામાં છેલ્લા ૨૫ વર્ષથી ફરજ બજાવે છે તેમ છતાં કોઈ જ ભૂલ કે ઘટના બનેલ નથી. માત્ર આકસ્મિક ઘટનામાં ગામના એક બાળકને માત્ર સામાન્ય ઇજા થઈ હતી. તેનો મુદ્દો બનાવી વાતનું વતેસર કરી ગામને અને શાળાને બદનામ કરવાનું કૃત્ય કરાઈ રહ્યું છે.
આ બાબતે ગ્રામજનો દ્વારા કચેરીમાં તા.૦૧/૦૪/૨૦૨૪ના રોજ રૂબરૂ રજૂઆત કરી હતી. જે બાબતની ખોટી રજુઆતો અને દબાણમાં આવી ભરતપુરા શાળાના શિક્ષકની બદલી કરેલી છે. આ બદલી તાત્કાલિક રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા તા. ૧૬/૦૭/૨૦૨૪થી આ શિક્ષકની બદલી રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવા ચિમકી ઉચ્ચારી છે. આ મુદ્દે વાલીઓએ તાત્કાલિક નિર્ણય લઈ દીપકપુરાના શિક્ષકની બદલીનો ઓર્ડર રદ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ માગણી કરી છે.