– વારંવાર થતા અકસ્માત છતાં પાલિકા તંત્ર મૌન
– ચોમાસામાં ગાયો રોડ પર આવી જતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે
મળતી માહિતી મુજબ ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ ઉપર રખડતા પશુઓની સમસ્યા વકરી છે. રખડતા પશુઓ માર્ગને બાનમાં લઈ માર્ગની વચ્ચોવચ અડ્ડીંગો જમાવી બેસી જતા અત્રેથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. સાથે સાથે આવા પશુઓ કોઈકવાર માર્ગ પરથી પસાર થતા વાહનચાલક તેમજ રાહદારીને શિંગડે ચઢાવતા હોવાથી અકસ્માતો પણ સર્જાતા હોય છે.
જો કોઈ વાહનચાલક દ્વારા પશુઓને ઈજા પહોંચાડવામાં આવે તો તેના માલિકો ઘટનાસ્થળે એકત્ર થઈ આવા વાહનચાલકને ધમકાવી પશુને પહોંચેલ ઈજા માટે નાણાં પડાવતા હોય છે. જ્યારે કોઈ પશુ રાહદારી કે વાહનચાલકને શિંગડે ચઢાવે અને અકસ્માતમાં નાગરિકને ઈજા પહોંચે તો પશુનો માલિક શોધ્યો જડતો ન હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. ઉમરેઠ નગરથી આણંદ તરફ આવવાના માર્ગ ઉપર ચોકડીએ ગાયો અડ્ડીંગો જમાવી બેસી જતા ટ્રાફિકની સમસ્યા વકરી હતી અને વાહનચાલકોને ટ્રાફિકજામમાં સપડાવું પડયું હતું.
નોંધનીય છે કે આ સ્થળે ટ્રાફિક પોલીસ પણ હાજર ન હોવાથી વાહનોની લાંબી કતાર લાગી જતી હોય છે. આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ માર્ગને બાનમાં લેતા પશુઓને પાંજરે પુરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જાગૃતો દ્વારા કરાઈ છે.