Shetrunjay Dam Water Leval : સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં એક રાતમાં ધસમસતી પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ગત મોડી રાત્રીથી જ પાણીની આવક શરૂ થઈ હતી. ગઈકાલે રાત્રિના ડેમની સપાટી 17.6 ફૂટ નોંધાઇ હતી. જે આજે 16 કલાક બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં 2 ફૂટ વધીને 19.6 ફૂટ સુધી પહોંચી છે. હજુ પણ ડેમમાં પાણીની આવક શરૂ છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ગઈકાલ રાતથી પાણીની ધસમસતી આવક શરૂ થઇ છે. ગઈકાલે રાત્રિના 807 ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 17.6 ફૂટે પહોંચી હતી જે બાદ રાત્રીના પાણીની આવક વધીને 2030 ક્યુસેક થઈ હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
જે બાદ આજે વહેલી સવારે 4.30 કલાકે પાણીનો પ્રવાહ વધીને 4181 ક્યુસેક, સવારે 5 કલાકે 8117 ક્યુસેક, સવારે 6 કલાકે 17 હજાર ક્યુસેક થયો હતો અને ડેમની સપાટી 4 ઇંચ વધીને 17.10 ઇંચે પહોંચી હતી. જે બાદ સવારે 8 કલાકથી 11 કલાક સુધીમાં 34110 ક્યુસેક પાણીની આવક રહી હતી. 12 કલાકમાં ડેમની જળસપાટી 1 ફૂટ વધીને 18.6 ઇંચ નોંધાઈ હતી.
જે પછી સવારે 11 કલાક સુધીમાં ડેમની સપાટી 19.2 ફૂટ થઈ હતી અને બપોરે 12 વાગ્યાની સ્થિતિએ 16 કલાકમાં ડેમની સપાટીમાં 2 ફૂટ જેટલો વધારો નોંધાયો છે. બપોરે 12 વાગ્યાની સ્થિતિએ 17 હજાર ક્યુસેક પાણીની આવક સાથે શેત્રુંજી ડેમની સપાટી 19.6 ફૂટે પહોંચી છે.