– સવારે 8 થી 10 વાગ્યાના ૨ કલાકમાં અધધધ 10 ઇંચ વરસાદ
– રસ્તા પરથી 5 ફૂટથી વધુ પાણી વહેતા 16 રસ્તા બંધ : વનક્ષેત્રમાંથી બપોર બાદ પાણી ઓસરી જતા રસ્તાની તારાજી સામે આવી, ઠેર-ઠેર ધોવાણ
સુરત-બારડોલી : સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા વનક્ષેત્ર ઉમરપાડા તાલુકામાં આભ ફાટયું હતું. માત્ર ૪ કલાકમાં ૧૪ ઈચ ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. સવારે ૮ થી ૧૦ વાગ્યાના ૨ કલાકમાં અધધધ ૧૦ ઈંચ પાણીપડતા ઉમરપાડા અને માંડવી તાલુકના ૧૬ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. બપોર પછી પાણી ઓસરતા ઘણા રસ્તાઓની તારાજી સામે આવી હતી. ઘણા રસ્તા પર ૫ ફૂટથી વધુ પાણી વહ્યા હતા.
સુરત જિલ્લાના ચેરાપુંજી કહેવાતા વનક્ષેત્ર ઉમરપાડા તાલુકામાં આભ ફાટતા ૪ કલાકમાં જ ૧૪ ઇંચ વરસાદ ઝીંકતાતા નદી-નાળા છલકાતા સાથે પાણી-પાણી થઇ ગયું હતુ. સવારે ૬ થી ૮ વાગ્યાના ૨ કલાકમાં ૪ ઇંચ પાણી પડયા બાદ ૮ થી ૧૦ વાગ્યાના ૨ કલાકમાં અધધધ ૧૦ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેને કારણે નદી-નાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગ હસ્તકના એકથી બીજા ગામને જોડતા ૧૬ રસ્તા ઓવર ટોપીંગ તથા કોઝવે ઓવરટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યા હતા. બંધ રસ્તાઓ પાસે પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ઉમરપાડા તાલુકો વનક્ષેત્ર ધરાવતો હોવાથી અહિં વરસાદી પાણીનો ગામોમાં ભરાવો ખાસ જોવા મળતો નથી. અને બપોર પછી તો મોટાભાગના વરસાદી પાણી ઓસરી જતા સ્થિતિ સામાન્ય બની હતી પણ રસ્તાઓની તારાજી જોવા મળી હતી.
ભારે વરસાદે અનેક રસ્તાઓ ધોવાયા છે. જેમાં ઉમરપાડાથી નાના ઉમરપાડા જવાનો મુખ્ય માર્ગ ધોવાયો હતો. મોહન નદી પર બનાવવામાં આવેલા પુલીયાની બાજુમાં રોડનું ધોવાણ થતાં સેફ્ટી એંગલ પણ તૂટીને પાણીમાં ખેંચાઈ ગઈ હતી. રોડ ઉપર પાંચ ફૂટથી વધુ પાણી વહ્યા હતાં. ગોપાલિયા ગામેથી ચંદ્રપડા જતાં માર્ગ ઉપર પણ વરસાદના પાણી સાથે વીરા નદીમાં પૂરની સ્થિતિમાં પુલની બાજુના તમામ રસ્તાનું ધોવાણ થઈ જતાં વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. અન્ય રસ્તાઓ પરથી પણ પાણી ઓસરતા કોઝવે તેમજ પુલ નજીકના રોડનું ધોવાણ જોવા મળ્યું હતું. બપોર પછી વરસાદે વિરામ લેતા જનજીવન રાબેતા મુજબ થયું હતું.
આ ઉપરાંત જિલ્લાના ઓલપાડમાં ૩ મી.મી., માંગરોળમાં ૧૭, માંડવીમાં ૬, કામરેજમાં ૪, બારડોલીમાં ૩, મહુવામાં ૫, કામરેજમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાના ચેરાપુંજી ઉમરપાડા તાલુકામાં સીઝનનો કુલ ૪૦ ઈચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં વરસાદની સાથે-સાથે
: સુરતના ઉમરપાડામાં સવારે ૬ થી ૮માં ચાર ઈંચ જ્યારે સવારે ૮ થી ૧૦માં ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
: ભરૂચના નેત્રગમાં સવારે ૮ થી ૧૦માં સાડા પાંચ ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવારે ૬ થી ૮માં સવા પાંચ ઈંચ વરસાદ.
: ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ હવે ૩૦ ટકા થયો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૩૭.૬૬ ટકા, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૧૮.૮૮ ટકા વરસાદ નોંધાયો.
: છોટા ઉદેપુરમાં કાનાવાંટ-કાછેલ ગામના કોઝ વે પર પાણી ફરી વળતાં ૧૫ ગામ સંપર્ક વિહોણા થયા.
: પંચમહાલના શહેરાના જૂની વાડી ગામ ખાતે શિવ મંદિરમાં વીજળી પડતાં ગુંબજને નુકસાન પહોંચ્યું.
: દેડિયાપાડામાં મોવી-દેડિયાપાડાને જોડતાં સ્ટેટ હાઇવે પર પુલમાં ભંગાણ પડતાં રસ્તો બંધ કરાયો.
: નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે પૂરના પાણીમાં ફસાઇ ગયેલો યુવાન જીવ બચાવવા ઝાડ પર ચઢેલા યુવાનને રેસ્ક્યુ કરી બચાવાયો.
: દાહોદમાં અઢી ઈંચ વરસાદમાં દુકાન -શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન.