લિજેન્ડસ ચેમ્પિયન લીગની ફાઇનલમાં તાજેતરમાં જ યુવરાજ સિંહની આગેવાનીમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું હતું. આ મેચમાં ભારતનો પ્રભુત્વસભર વિજય થયો હતો. જો કે ક્રિકેટ રસિયાઓને એક જ અઠવાડિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક બીજો મુકાબલો જોવા મળશે.
મહિલા ક્રિકેટમાં 19મી જુલાઈથી એશિયા કપ 2024નો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં પહેલા દિવસે ગ્રુપ-Aની મેચ UAE અને નેપાળ વચ્ચે રમાશે. જ્યારે બીજા દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્વની મેચ રમાશે.
ક્યાં અને ક્યારે રમાશે મેચ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા ક્રિકેટની આ મેચ શ્રીલંકાના દમ્બુલ્લાના રંગીરી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જે સાંજે 7 વાગ્યે શરૂ થશે. જો કે આ મેચમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતાઓ પણ છે.
ટીવી પર ક્યાં જોઈ શકશો?
આ મેચો તમારે ભારતમાં ડિસની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકશો. આ સિવાય ટેલિવિઝન પર સ્ટાર ક્રિકેટ નેટવર્કની ચેનલ્સ પર જોઈ શકશો.
અગાઉ પુરુષોની એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારતનો વિજય થયો હતો. ભારતની મજબૂત મહિલા ક્રિકેટ ટીમને જોતાં આ એશિયા કપ પણ ભારત જ જીતશે એવું લાગી રહ્યું છે.
ભારતની સંભવિત ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા ચેત્રી (વિકેટકીપર), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા ઠાકુર, દયાલન હેમલથા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.