ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં 4-1થી વિજય બાદ હવે શ્રીલંકામાં T20 અને ODI શ્રેણી રમશે. આ શ્રેણી સાથે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે ટીમ સાથે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે 3 T20 મેચ રમવાની છે અને ત્યારબાદ 3 ODI મેચોની શ્રેણી રમવાની છે. ICC T20 વર્લ્ડ કપ જીતનાર ટીમના ઘણા ખેલાડીઓ ઝિમ્બાબ્વે પ્રવાસ પર નહોતા અને અહેવાલો અનુસાર કેટલાક સિનિયર ખેલાડીઓને આ શ્રેણીમાં પણ આરામ આપવામાં આવી શકે છે. અટકળો અનુસાર હાર્દિક પંડ્યા 27 જુલાઈથી શરૂ થનારી T20 શ્રેણીમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. આજે ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો અજીત અગરકરની આગેવાનીમાં શ્રીલંકા પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે.
ICC T20 વર્લ્ડ કપની જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. બે દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ ટીમમાં જે ખાલી જગ્યા બની છે તેને ભરવાનું આસાન નહીં હોય. હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે તક આપવામાં આવે તે નિશ્ચિત માનવામાં આવે છે. તે ટી20 વર્લ્ડ કપમાં પણ વાઇસ કેપ્ટન તરીકે રમ્યો હતો. આ પહેલા પણ તે આ ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી ચૂક્યો છે.
તો વન-ડે ટીમ માટે લોકેશ રાહુલને સુકાની બનાવવામાં આવે તેવી શક્યતા વધારે છે.
બેટિંગ વિભાગ મજબૂત
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં પસંદગીકારો સિનિયર બોલર જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને આરામ આપી શકે છે. વર્કલોડ મેનેજ કરવા માટે આ પગલું લઈ શકાય છે. તાજેતરમાં ઝિમ્બાબ્વે પ્રવાસમાં સારો દેખાવ કરનાર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનર હશે. જ્યારે આ પછી સિનિયર ખેલાડી સૂર્યકુમાર યાદવ સાથે રિંકુ સિંહ સંજુ સેમસન, શિવમ દુબેનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. તો તાજેતરમાં જ સદી ફટકારનાર ઓપનર અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. ભારત માટે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વન-ડે અને ટી-20 વર્લ્ડકપ પહેલા ટી-20 ટીમ કોમ્બિનેશન પસંદ કરવાનું દબાણ છે અને એ માટે દાવેદારો પણ ઘણા બધા છે.
બોલિંગ વિભાગમાં કોણ રહેશે?
બોલિંગમાં બુમરાહની ગેરહાજરીમાં આ જવાબદારી મોહમ્મદ સિરાજ અને અર્શદીપના ખભા પર રહેશે. સાથે ઝિમ્બાબ્વે સામેની છેલ્લી T20 મેચમાં 4 વિકેટ લેનાર મુકેશ કુમાર અને આવેશ ખાન પણ ફાસ્ટ બોલર તરીકે વિકલ્પ બની શકે છે. સ્પિનમાં કુલદીપ યાદવની સાથે રવિ બિશ્નોઈને શ્રીલંકા પ્રવાસ પર મોકલવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તો વિકલ્પ તરીકે ઝિમ્બાબ્વેની શ્રેણીમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બનનાર ખેલાડી વોશિંગ્ટન સુંદરની પણ ગણના થઈ શકે છે.
ઓલરાઉન્ડર તરીકે ટીમમાં કેપ્ટન હાર્દિક પંડયા અને ફાસ્ટર શિવમ દુબે તો છે જ પણ સાથે અક્ષર પટેલની વાપસી પણ થઈ શકે છે.
ભારતની સંભવિત T20 ટીમઃ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ