Image: Wikipedia & Facebook
Amartya Sen: નોબેલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી પ્રોફેસર અમર્ત્ય સેને કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમયની સાથે ખૂબ પરિપક્વ થઈ ગયા છે. પરંતુ તેમની અસલ પરીક્ષા એ હશે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએની વર્તમાન સરકારમાં સંસદમાં વિપક્ષનું નેતૃત્વ કેવી રીતે કરે છે. 90 વર્ષીય સેને કહ્યું છે કે રાહુલની ભારત જોડો યાત્રાએ ન માત્ર તેમને એક રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કર્યાં પરંતુ દેશના રાજકીય પરિદ્રશ્યને પણ સમૃદ્ધ કર્યો છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે કેમ્બ્રિજ યુનિવર્સિટીના ટ્રિનિટી કોલેજમાં વિદ્યાર્થી તરીકે રાહુલ એ વાતને લઈને અનિશ્ચિત હતાં કે જીવનમાં તેઓ શું કરવા ઈચ્છે છે. કેમ કે તે સમયે રાજકારણ તેમને આકર્ષિત કરતું નહોતું.
તેમણે કહ્યું, મને લાગે છે કે તે હવે ખૂબ પરિપક્વ વ્યક્તિ છે. હું તેમને ત્યારથી જાણું છું જ્યારે તે ટ્રિનિટી કોલેજના વિદ્યાર્થી હતાં. તે કોલેજ જ્યાં મે અભ્યાસ કર્યો અને બાદમાં તેમાં માસ્તર બની ગયો. તેઓ તે સમયે મને મળવા આવ્યા હતાં અને તેઓ તે સમયે એવી વ્યક્તિ હતાં જે એ વાતને લઈને સ્પષ્ટ નહોતા કે તેઓ શું કરવા ઈચ્છે છે. એવું લાગતું હતું કે તે સમયે તેમને રાજકારણ પસંદ નહોતું. ભારત રત્નથી સન્માનિત અમર્ત્ય સેને કહ્યું કે કોંગ્રેસ નેતાને રાજકારણમાં પોતાના શરૂઆતી દિવસોમાં ભલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં તેમાં ખૂબ ફેરફાર આવ્યો છે અને તેમનું વર્તમાન પ્રદર્શન અસાધારણ રીતે સારું રહ્યું છે.
નોબેલ અર્થશાસ્ત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીએ રાજકારણમાં પગલું મૂક્યુ અને મને લાગે છે કે શરૂઆતમાં તેમને પોતાના પગ જમાવવામાં થોડી મુશ્કેલી થઈ. પરંતુ તેમનું તાજેતરનું પ્રદર્શન ખૂબ અસાધારણ રહ્યું છે અને હું તેના ખૂબ વખાણ કરું છું. તમે માત્ર તમારા ગુણોને આધારે ચૂંટણી લડી શકતાં નથી. આ તે બાબત પર પણ નિર્ભર કરે છે કે તમારો દેશ કેવો છે.
પીએમ બનવાની સંભાવના પર અમર્ત્ય સેને શું કહ્યું
તેમણે કહ્યું, હું આ વાતનો જવાબ આપીશ નહીં. આ સમજવું ખૂબ મુશ્કેલ છે કે લોકો વડાપ્રધાન કેવી રીતે બને છે. સેને હસતાં કહ્યું, જ્યારે હું દિલ્હીનો વિદ્યાર્થી હતો, ત્યારે જો કોઈ મને પૂછતું કે મારા સહવિદ્યાર્થીઓમાંથી કોના વડાપ્રધાન બનવાની શક્યતા સૌથી ઓછી છે તો હું મનમોહન સિંહનું નામ લેતો કેમ કે તેમને રાજકારણમાં કોઈ રસ નહોતો પરંતુ પછી તેઓ વડાપ્રધાન બન્યા અને મને લાગે છે કે તેઓ એક શ્રેષ્ઠ વડાપ્રધાન બન્યા. તેથી, આ બાબતોની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.
અમર્ત્ય સેને ભારત જોડો યાત્રા પર શું કહ્યું
રાહુલની ભારત જોડો યાત્રાની પહેલનો ઉલ્લેખ કરતાં સેને કહ્યું, રાહુલે સારું કામ કર્યું છે. મને લાગે છેકે આ યાત્રા ભારત અને તેમના માટે સારી રહી. મને લાગે છેકે તેમણે પોતાની અભિવ્યક્તિની ક્ષમતામાં ઉલ્લેખનીય સુધારો કર્યો છે. ખાસ કરીને તેઓ રાજકારણ પર પોતાના વિચારોને પહેલાની સરખામણીએ ઘણી સ્પષ્ટરીતે વ્યક્ત કરે છે. તેમણે કહ્યું, જ્યારે તે ટ્રિનિટી આવ્યાં હતાં, ત્યારે તે કદાચ એક વિકાસ વિશેષજ્ઞ બનવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં અને અમે આ વિશે વાત કરી કે તેમને શું વાંચવું જોઈએ. તેઓ તે સમયે ખૂબ વાકપટુ હતાં, પરંતુ રાજકારણના સંદર્ભમાં તેઓ આવા નહોતાં. પરંતુ હવે તે રાજકારણના મામલે પણ ખૂબ સ્પષ્ટ રીતે વાત મૂકે છે.