Image:envato
Chandipura Virus in Gujarat: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે ફફડાટ વ્યાપી ગયો છે. હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના 14 કેસ સામે આવ્યા હતા, જેમાંથી 8ના મૃત્યુ થયા છે. આ પૈકી અરવલ્લીમાં ત્રણ, સાબરકાંઠામાં 2, મહિસાગર અને રાજકોટમાં એક-એક દર્દીના મોત નીપજ્યા છે.
ચાંદીપુરા વાઇરસથી ગભરાશો નહીં પણ સાવચેત રહો: ઋષિકેશ પટેલ
ચાંદીપુરા વાઇરસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ‘ચાંદીપુરા એન્કેફેલાઈટિસ રોગથી ગભરાવવાની જરૂર નથી. પરંતુ સાવચેતી જરૂર રાખવી જોઇએ. સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ રોગ જોવા મળે છે.’
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસથી ગભરાશો નહી પણ સાવચેત રહો, 1965માં નોંધાયો હતો પ્રથમ કેસ: રાજ્ય સરકાર
ચાંદીપુરા વાઇરસ સેન્ડ ફ્લાય માખીના કરડવાથી થાય છે અને ખાસ કરીને નવ મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. હાઈગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુ:ખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ગભરાવવાની નહી પરંતુ સાવચેતી જરૂરી
ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. પરિણામે અત્યાર સુધી કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. અત્યારે લોકોએ આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જરૂર રાખવાની જોઇએ. પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવી જોઇએ.