પોલીસની 8 ટીમોએ અલગ-અલગ વિસ્તારમાંથી દબોચી લીધા : 2 આરોપીને ફિશીંગ બોટોની વચ્ચેથી, 5ને બરડા ડુંગરમાંથી એકને નવાગઢ પાસેથી, 1ને કુછડી પાસેથી જ્યારે 2 જંગલમાં નાસવા જતાં પોલીસે પીછો કરી ઝડપ્યા
પોરબંદર, : પોરબંદરમાં શનિવારે રાત્રે જિલ્લા પોલીસવડાની કચેરીની નજીક નવા પેરેડાઇઝ દ્વ્રારા પાસે નામચીન બુટલેગરની 13 શખ્શોએ કરપીણ હત્યા કરી નાખી હતી આ બનાવમાં પોલીસની આઠ ટીમોએ ડુંગરથી માંડીને જંગલ અને હાઇવેથી માંડીને નદીમાં પીછો કરીને 11 આરોપીઓને પકડી પાડયા છે જ્યારે એક આરોપી ઝપાઝપીમાં ઘવાયો હતો તેને સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.અને અન્ય એક આરોપી હજુ પોલીસના હાથ આવ્યો નથી તેથી તેની શોધખોળ ચાલુ છે.
પોરબંદરના પેરેડાઇઝ ક્વારા પાસે શનિવારે મોડી રાત્રે સાગર ઉર્ફે ડબલુ મુળજી મોતીવરસ નામના બુટલેગરની 13 જેટલા શખ્સોએ છરીઓ મારી પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી જેમાં મૃતકના મામા દીપકભાઇ ઉર્ફે કાળો નાથાલાલ ખોરાવાએ પોતાના ભાણેજની હત્યા અંગે 13 શખ્શો અનીલ ધનજીભાઇ વાંદરીયા, ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરીયા, યશ ઉર્ફે વાયપી અશોક પાંજરી, પ્રીન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશભાઇ ચૌહાણ, રાહુલ ઉર્ફે લાલો મનસુખભાઇ ચામડીયા, કેનિક ધીરજભાઇ શેરાજી, આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખભાઇ ગોહેલ, હીરેન જુંગી, ખુશાલ વિનોદભાઇ જુંગી, પવન ઉર્ફે પપ્પુ નરેશભાઇ પરમાર, આશીર્ષ ઉર્ફે ટકો, કુશ કીરીટભાઇ જુંગી અને કેવલ મસાણી તથા તપાસમાં નીકળે તે તમામ સામે ગુન્હો નોંધાવ્યો હતો.
પોલીસ અધિક્ષકે આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે 8 ટીમો બનાવવા હુકમ કરેલ જેમાં પોલીસની કુલ 8 ટીમ અલગ અલગ વિસ્તારમાં તપાસ માટે દોડી ગઇ હતી.
પોરબંદરના યુવાનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી ઘણાખરા માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે તેથી પોલીસે બંદર વિસ્તારમાં 400 જેટલી ફિશીંગ બોટો વચ્ચે તપાસ હાથ ધરી હતી ત્યારે રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડીયા અને કેનીક ધીરજ શેરાજીને પોલીસે એક ફિશીંગ બોટની અંદર છુપાયેલા પકડી પાડયા હતા.
બીજી બાજુ બરડા ડુંગરમાં વાંસજાળીયા નજીક જંગલ વિસ્તારમાં વાડીમાં છૂપાયા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં પણ તપાસ હાથ કરી હતી અને ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરીયા અને પ્રીન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશ ચૌહાણ પોલીસને જોઇ જતા જંગલમાં ભાગવા લાગ્યા હતા અને દોઢ કિ.મી. સુધી પોલીસે પીછો કરીને ભાણવડ નજીક નદીમાં પડીને ભાગવા જતા હતા ત્યારે ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે બંનેને પકડયા હતા.
યશ ઉર્ફે વાયપી અશોક પાંજરી હત્યા બાદ રાજકોટ થઇને દક્ષિણ ગુજરાત તરફ ભાગવાનો હોવાની માહિતીના આધારે ધોરાજી તરફ તપાસ હાથ ધરતા નવાગઢ પાસે નેશનલ હાઇવે પર પોલીસે પીછો કરીને તેને પકડી પાડયો હતો.
નામચીન મહિલા બુટલેગર ગીતાનો પુત્ર ખુશાલ વિનોદ જુંગી, આશિષ ઉર્ફે ટકો, કુશ કિરીટ જુંગી, કેવલ મસાણી, પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર વગેરે બીલેશ્વર નજીક ફોદાળા ડેમ પાસે બરડાડુંગર વિસ્તારમાં છૂપાયા હોવાની માહિતીના આધારે આ તમામને ત્યાંથી પકડી પાડયા હતા.
હત્યાના આ ગંભીર ગુન્હામાં અનીલ ધનજી વાંદરીયા ગુન્હો કર્યા પછી દ્વારકા તરફ ભાગવાનો હોવાની માહિતીના આધારે તેને લકડીબંદરથી કુછડી તરફ જતા રસ્તેથી પકડી પાડયો હતો. એક આરોપી ઓબ્ઝર્વેશન હેઠળ જ્યારે મારામારી થઇ ત્યારે એક આરોપી આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખ ગોહેલ ઘવાયો હતો આથી તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવાયો છે અને પોલીસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે અને એક આરોપી હીરેન જુંગી હજુ પોલીસને હાથ લાગ્યો નથી તેથી તેની શોધખોળ ચાલુ છે.