Gyan Sadhana Scholarship : સુરત સહિત રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા જાહેર કરી છે. સુરત સહિત ગુજરાતના ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 12માં ધોરણ સુધી 95 હજાર સ્કોલરશીપ મળે તે માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા થઈ હતી તેમાં સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. જેમાં શિક્ષણ સમિતિની વરાછાની શાળા ક્રમાંક 16ના 78 અને શાળા ક્રમાંક 272 ના 70 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ પરીક્ષા લેવામા આવી હતી જેમાં આજે મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા ખાતે આવેલી શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળા ક્રમાંક 16 જે કન્યા શાળા છે જેમાં ધોરણ-8ની 78 વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે અને તેઓ મેરિટ લિસ્ટમાં આવ્યા છે. આડ કેમ્પસમાં આવેલી શાળા ક્રમાંક 272 જે શાળા મહારાણા પ્રાથમિક શાળા છે તે શાળાના 70 વિદ્યાર્થીઓનો પણ મેરિટ લિસ્ટમાં જાહેર થયાં છે. આ ઉપરાંત સમિતિની અન્ય શાળાના પણ વિદ્યાર્થીઓ મેરીટ લિસ્ટમાં જાહેર થયા છે. આ વિદ્યાર્થીઓ ધોરણ 8 થી 12 દરમિયાન 95 હજાર શિષ્યવૃત્તિ મળશે.
સમિતિની આ બન્ને શાળામાં વધુ વિદ્યાર્થીઓ મેરીટમાં આવી રહ્યાં છે તેની પાછળ શાળાના આચાર્ય અને શિક્ષકોની મહેનતનું પરિણામ છે. આ શાળામાં શિક્ષકો દ્વારા પ્રાર્થના સમયે, રજાના દિવસે અથવા તો શાળા સમય પછી ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવવામા આવે છે. જેના કારણે ગરીબ વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવી રહ્યું છે અને આ વિદ્યાર્થીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે.