PM Cares : કોરોના મહામારી દરમિયાન ઘણા બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે. આવા બાળકોને મદદ કરવા માટે સરકારે ‘પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ’ શરૂ કરી હતી. પરંતું જો અધિકારીઓનું માનવામાં આવે તો આ યોજના હેઠળ મળેલી 51 ટકા અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
2021માં લોન્ચ કરાઈ હતી PMCCS
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 29 મે 2021ના રોજ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ (PMCCS)ની સૌપ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના જેમના માતા-પિતા અથવા તેમના કાયદેસરના વાલી બંનેનું કોરોના મહામારીથી મોત થયું છે તેવા બાળકોને મદદ માટે જાહેર કરાઈ હતી. આ યોજનાના લાભાર્થીઓ નક્કી કરવા માટે મોદી સરકારે નક્કી કરેલી તારીખ 11 માર્ચ 2020 થી 29 મે 2023 સુધીની હતી. આ સમયગાળામાં જે બાળકોએ તેમના માતા-પિતા અથવા કાનૂની વાલી ગુમાવ્યા છે તેમને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ ઉપલબ્ધ તમામ મદદ આપવામાં આવશે.
9331 અરજીઓ મળી હતી
સત્તાવાર માહિતી અનુસાર, આ યોજના હેઠળ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 613 જિલ્લાઓમાંથી કુલ 9,331 અરજીઓ મળી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિકારી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 558 જિલ્લાઓમાંથી માત્ર 4,532 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જ્યારે 4,781 અરજીઓને રિજેક્ટ કરી દેવામાં આવી છે અને 18 અરજીઓ પેન્ડિંગ છે, આ અરજીઓને રિજેક્ટ કરવા માટેનું મંત્રાલય દ્વારા કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી.
સૌથી વધુ રાજસ્થાનમાંથી અરજી થઈ
દેશમાં રાજસ્થાનમાંથી 1,553 અરજીઓ સામે 210, મહારાષ્ટ્રમાં 1511 અરજીઓમાંથી 855 અને ઉત્તર પ્રદેશમાંથી 1007 અરજીઓમાંથી 467 અરજીઓ સ્વીકારવામાં આવી હતી.
શું છે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ?
ખાસ કરીને, આ યોજનાનો ઉદ્દેશ્ય બાળકોની સતત વ્યાપક સંભાળ અને રક્ષણ સુનિશ્ચિત કરવાનો, આરોગ્ય વીમા દ્વારા તેમના સ્વાસ્થ્યની કાળજી લેવી, શિક્ષણ દ્વારા તેમને સશક્તિકરણ કરવું અને 23 વર્ષની વય સુધી નાણાકીય સહાય પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા બાળકોની નોંધણી માટે pmcaresforchildren.in નામનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. બાળકોને આપવામાં આવતી તમામ મદદનો હિસાબ પણ આ પોર્ટલ પર રજૂ કરવામાં આવ્યો હતો.