Firing in Oman : ઓમાનની રાજધાની મસ્કતમાં એક મસ્જિદ પાસે આજે આડેધડ ગોળીબાર થયો છે. આ ઘટના અંગે ઓમાનના વિદેશમંત્રીએ કહ્યું કે, આ ફાયરિંગમાં એક ભારતીયનું મોત નિપજ્યું છે, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનામાં કુલ છ લોકોના મોત થયા છે, જેમાં ચાર પાકિસ્તાનના છે.
30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
રૉયલ ઓમાન પોલીસે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ઓમાનની રાજધાની મસ્કતની વાદી અલ કબીર વિસ્તારમાં ગોળીબાર થયો છે. જોકે હુમલો કયા કારણે કરવામાં આવ્યો, તેની કોઈ માહિતી સામે આવી નથી. સત્તાવાર આંકડા મુજબ આ ઘટનામાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ત્રણ બંદૂકધારીઓએ આડેધડ ગોળીબાર કર્યો
પોલીસે જણાવ્યું કે, અહીં ત્રણ બંદૂકધારીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેના કારણે અફરાતફરી મચી ગઈ છે. જોકે પોલીસે ત્રણેયને ઠાર કરી દીધા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની (Pakistani)ના મોત થયા છે. આ ઉપરાંત 30 પાકિસ્તાનીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઓમાનમાં ચાર લાખ પાકિસ્તાનીઓના ઘર
ઓમાનમાં પાકિસ્તાનના રાજદૂત ઈમરાન અલીએ કહ્યું કે, આ મસ્જિદમાં મોટાભાગના દક્ષિણ એશિયાના પ્રવાસીઓ આવે છે. તેમણે કહ્યું કે, ઓમાનમાં લગભગ ચાર લાખ પાકિસ્તાનીઓના ઘર છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (Pakistan PM Shehbaz Sharif) આ આતંકવાદી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
અમેરિકન દૂતાવાસ એલર્ટ પર
ફાયરિંગની ઘટના બાદ મસ્કત સ્થિત અમેરિકન દૂતાવાસે (American Embassy) એલર્ટ જાહેર કર્યું છે. તેણે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ‘અમેરિકન નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ અને સ્થાનીક સમાચારો પર નજર રાખવી જોઈએ. આપણા નાગરિકો સ્થાનિક અધિકારીઓના નિર્દેશોનું પાલન કરે.’