Ex MPs to vacate Bungalows : 200થી વધુ પૂર્વ સાંસદોને બંગલા ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ એ નેતાઑ છે જે ચૂંટણી હારી ગયા છે. નિયમ અનુસાર એક મહિનામાં તેમણે સરકારે આપેલ ઘર ખાલી કરી દેવાનું હોય છે. તેમ છતાં આ નેતાઑ હજુ બંગલા પર કબજો કરીને બેઠા છે. નેતાઑનો લુટીયન્સ દિલ્હીનો મોહ છે કે છૂટવાનું નામ નથી લઈ રહ્યો.
મીડિયા અહેવાલો અનુસાર લોકસભાની હાઉસિંગ કમિટી દ્વારા આવા નેતાઓને વહેલામાં વહેલી તકે ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું છે. જેથી નવા ચૂંટાયેલા સાંસદોને તે ઘર આપી શકાય.
ઘર ખાલી ન કરે તો શું?
પાછલી લોકસભા ભંગ થયાના એક મહિના બાદ જ પૂર્વ સાંસદોને ઘર ખાલી કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. તેમ છતાં નેતાઓ બંગલા કરી રહ્યા નથી. એક અધિકારીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું, કે ‘જો કોઈ નેતા નોટિસ જતાં બંગલો ખાલી નથી કરતાં તો તેમના ઘરે ટીમ મોકલવામાં આવશે.’
નવા મંત્રીઓને નથી મળ્યા ઘર
નોંધનીય છે કે નેતાઓને સરકારી બંગલા આપવાનું કામ લોકસભાની હાઉસિંગ કમિટી દ્વારા કરવામાં આવે છે. આ સિવાય કેન્દ્ર સરકારના મંત્રીઓને સરકારી આવાસ આપવાનું કામ કેન્દ્રીય આવાસ તથા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. સૂત્રો અનુસાર મોદી સરકાર 3.0ને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે જોકે હજુ સુધી નવા મંત્રીઓને બંગલા આપવામાં આવ્યા નથી.