– અમેરિકાએ ફરી એકવાર ભારતને અનુરોધ કર્યો
– ભારતના રશિયા સાથેના સંબંધો તો દાયકાઓથી જાણીતા છે. ભારતનું રશિયામાં વિશિષ્ટ સ્થાન છે તેથી જ અમે આ અનુરોધ કરીએ છીએ : મિલર
નવી દિલ્હી : અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ભારતને અનુરોધ કરતાં કહ્યું હતું કે તેણે તેના રશિયા સાથેના ગાઢ સંબંધોનો ઉપયોગ કરી પુતિનને યુક્રેન-યુદ્ધ બંધ કરવા સમજાવવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે રશિયામાં ભારતનું વિશિષ્ટ સ્થાન છે તેથી તે પ્રમુખ પુતિનને તે યુદ્ધ બંધ કરવા સમજાવી જ શકે તેમ છે.
સોમવારે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અમેરિકાનાં વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ મિલરને પત્રકારોને જયારે પુછયું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત અંગે તમારે શું કહેવાનું છે ? તેના જવાબમાં મિલરે કહ્યું હતું કે, મોદીની આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વ્યાપારી સંબંધો વધારવા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભારતને તો દાયકાઓથી રશિયા સાથે સંબંધો છે. તે સર્વવિદિત પણ છે. તેથી જ અમે ભારતને અનુરોધ કરીએ છીએ. એ કે મોદીએ તે સંબંધોનો ઉપયોગ કરી પુતિનને યુક્રેન-યુદ્ધ બંધ કરવા સમજાવવા જ જોઈએ. આ સાથે તેઓએ રશિયાને યુનોના ચાર્ટરની પણ યાદ આપવી જોઈએ.
આ પૂવે એક સપ્તાહે વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરિને જીન પીયરીએ ૧૦મી જુલાઈએ મીડીયાના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, અમે પણ માનીએ છીએ કે ભારતે રશિયા સાથેના સંબંધોનો ઉપયોગ કરી યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરવા જ જોઇએ. અમે ખાનગીમાં અને જાહેરમાં પણ ભારત સરકાર સાથેની સીધી વાતચીતમાં તેમને કહ્યું હતું કે તેણે તે પ્રયાસો (યુદ્ધ બંધના પ્રયાસો) પુરી મજબુતીથી ચાલુ રાખવા જ જોઈએ.
વાસ્તવમાં યુક્રેનને શસ્ત્રો અને નાણાંકીય સહાય આપી યુએસ સહિત પશ્ચિમના દેશો થાકયા છે. તેમ લાગે છે.