નવી દિલ્હી,૧૬ જુલાઇ,૨૦૨૪,મંગળવાર
ભારતીય રિઝર્વ બેંકે લોન આપતા સંસ્થાનોને જણાવ્યું છે કે કર્જ આપીને નહી ચુકવતા લોકોના એકાઉન્ટને ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરતા પહેલા તેને પુરતો સમય આપવો જરુરી છે. ખાતાધારકોનો પ્રત્યુતર પણ સાંભળવો જોઇએ એટલું જ નહી ગ્રાહકોને ધોખાઘડી અંગેની પુરેપુરી જાણકારી આપવાની સાથે કારણ બતાવો નોટિસ પણ બહાર પાડવી પડશે.
આરબીઆઇએ સોમવારે એક સરકયૂલર બહાર પાડયો જેમાં ડિફોલ્ટર વ્યકિત અને સંસ્થાનોને કારણ દર્શાવો નોટિસ માટે કમસેકમ ૨૧ દિવસનો સમય આપવો જરુરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય બેંકે નિયમોમાં આ સુધારો ગત માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાના આધારે કર્યો છે.
સુપ્રિમકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે ડિફોલ્ટરની સુનાવણીનો અધિકાર આપ્યા વિના બેંક કોઇ પણ ખાતાને એક તરફી કાર્યવાહી કરીને ડિફોલ્ટર જાહેર કરી શકે નહી. કોર્ટે એમ પણ ટાંકેલું કે પ્રાકૃતિક ન્યાયના સિધ્ધાંતોની માંગ છે કે દેણદાર ને ફોરેન્સિક ઓડિટ રિપોર્ટનું એક તારણ કાઢીને સમજાવવાની તક આપીને પછી નોટિસ પાઠવવી જરુરી છે. તેના એકાઉન્ટને ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરતા પહેલા આર્થિક સંસ્થાનોએ ખુદ પ્રતિનિધિત્વ કરવાની મંજુરી આપવી જોઇએ.