ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
યુવાન ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના : પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે ગઈકાલે રાત્રે ધોળાકુવાના સવસ રોડ ઉપર બાઈક સ્લીપ ખાઈ જતા ગામના જ યુવાનનું
મોત થયું હતું. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી
હતી.
ગાંધીનગરમાં હાલ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા
મળી રહ્યો છે ત્યારે શહેર નજીક આવેલા ધોળાકૂવામાં ગઈકાલે રાત્રિના સમયે બાઇક લઈને
પસાર થતા યુવાનનું બાઈક સ્લીપ ખાઈ જતા તેનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ધોળાકૂવામાં દશામાતાના મંદિર પાસે રહેતા અને મૂળ
બિહારના વતની એવા સામુકુમાર ઉર્ફ પિન્ટુ દયાનંદપ્રસાદ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેનો જુડવા ભાઈ
રામુકુમાર ઉર્ફે મોન્ટુ તેનું બાઇક લઈને ધોળાકુવા સવસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો
તે દરમિયાન અચાનક જ બાઈક સ્લીપ ખાઈ જતા તેના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ
અકસ્માતની ઘટનાઓને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને તેને ગાંધીનગર સિવિલથી
વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન
તેનું મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસ દ્વારા ગુરૃ
દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.