– 26 વર્ષ પહેલાં મૂળ સોલ્જર રીલિઝ થઈ હતી
– જોકે, સિક્વલમાં બોબી અને પ્રીતિને રીપિટ કરાશે કે કેમ તે હજુ નક્કી નથી
મુંબઈ : બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘સોલ્જર’ની સિક્વલ બનાવવાની જાહેરાત તેના નિર્માતાએ કરી છે. જોકે, સીકવલમાં બોબી અને પ્રીતિની કોઈ ભૂમિકા હશે કે કેમ તે નક્કી નથી. ‘સોલ્જર’ ૧૯૯૮માં રીલિઝ થઈ હતી. બોબી અને પ્રીતિ બંને માટે આ ફિલ્મ નોંધપાત્ર નિવડી હતી. આ ફિલ્મના નિર્માતા રમેશ તૌરાણીએ જાહેર કર્યું છે કે પોતે ‘સોલ્જર’ની સીકવલ બનાવી રહ્યા છે.
આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથી શરુ થવાનું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ હવે લખાશે. આથી આ તબક્કે કાસ્ટ વિશે કશું જ નક્કી કરાયું નથી. મૂળ ફિલ્મના કલાકારો બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાને રીપિટ કરાશે કે કેમ તે પણ હજુ નક્કી નથી.
હિંદી ફિલ્મોમાં રોમાન્ટિક હીરો તરીકે શરુ કરનારા બોબી દેઓલની કારકિર્દી બાદમાં લથડી પડી હતી. જોકે, તાજેતરમાં ‘એનિમલ’ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવ્યા બાદ તેની કારકિર્દીની ગાડી પાટે ચઢી છે અને તેને અનેક નવી ફિલ્મો ઓફર થઈ રહી છે.
બીજી તરફ પ્રીતિ ઝિન્ટા લગ્ન બાદ અમેરિકામાં વસી ચૂકી છે. પરંતુ, હાલમાં તે સની દેઓલ સાથેની ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ દ્વારા તે કમબેક કરી રહી છે.