મુંબઈ : વર્તમાન ખરીફ મોસમમાં દેશમાં વાવણી કામગીરી સામાન્ય ખરીફ વાવેતરના પચાસ ટકાથી વધુ પૂરી થઈ ગઈ છે. ૨૦૨૩ની ખરીફ મોસમમાં ૧૫જુલાઈ સુધીમાં ૫૨૧.૨૫ લાખ હેકટર વિસ્તારની સામે વર્તમાન મોસમમાં ૧૫ જુલાઈ સુધીમાં ૫૭૫ લાખ હેકટર વિસ્તાર પર ખરીફ વાવેતર પૂરું થયાનું કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા જણાવે છે.
સંપૂર્ણ ખરીફ મોસમમાં સામાન્ય રીતે ૧૦૯૫.૮૪ લાખ હેકટર પર વાવણી થાય છે. આમ વર્તમાન મોસમમાં અત્યારસુધીમાં સામાન્ય વાવણી વિસ્તારના ૫૨.૪૮ ટકા વાવેતર પૂરું થયું છે.
ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ વર્તમાન મોસમમાં ખરીફ વાવણી ૧૦.૩૦ ટકા વધુ રહી છે. દેશભરમાં ચોમાસાની પ્રગતિને પરિણામે વાવણીની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે.
પાક પ્રમાણે વાત કરીએ તો ડાંગરનું વાવેતર જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૯૫.૭૮ લાખ હેકટર વિસ્તાર રહ્યું હતું તેમાં નોંધપાત્ર વધારો થઈને ૧૧૫.૬૪ લાખ હેકટર જોવા મળ્યું છે. કઠોળનું વાવેતર પણ ૪૯.૫૦ લાખ હેકટર સામે ૬૨.૩૨ લાખ હેકટર વિસ્તાર પર પૂરું થયું છે. કઠોળમાં તુવેર દાળ તથા અડદની વાવણીમાં વધારો જોવા મળી રહ્યો છે. સારા ભાવ મળી રહેવાની અપેક્ષાએ મુખ્ય કઠોળનો ખેડૂતો વધુ પાક લઈ રહ્યાનું જણાય છે.
તેલીબિયાંનો વાવણી વિસ્તાર પણ ૧૧૫.૦૮ લાખ હેકટરની સામે નોંધપાત્ર ઊંચો રહીને અત્યારસુધીમાં ૧૪૦.૪૩ લાખ હેકટર વિસ્તાર રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.