અમદાવાદ : વાયદા બજારમાં વધતા રિટેલ ભાગીદારીને કાબૂમાં લેવા માટે સેબીની એક સમિતિએ લોટ સાઈઝ ૫ લાખ રૂપિયાથી વધારીને ૨૦-૩૦ લાખ રૂપિયા કરવાની ભલામણ કર્યા બાદ હવે એસએમઈ સેગમેન્ટમાં પણ રિટેલ રોકાણકારોના ધસારાને કાબૂમાં લેવા માટે સેબી આકરા પાણીએ આવી શકે છે. મોટી માછલીઓની રમતમાં નાના રોકાણકારો છેતરાઈ ન જાય તેની તકેદારીના ભાગરૂપે રિટેલ રોકાણકારોને બજારમાંથી દૂર કરવા સેબી હવે એસએમઈ આઈપીઓ માટેની લોટ સાઈઝને વધારીને રૂ. ૫ લાખ સુધી કરી શકે છે.
ગત સપ્તાહે જ એસએમઈ આઈપીઓ માટે ફ્રેન્ઝી બનેલા, નેશનલ સ્ટોક એક્સચેન્જે એસએમઈના પ્રારંભિક જાહેર ભરણામાં ભાવ વધારાને મર્યાદિત કરવા માટે આકરા પગલાં લીધા હતા. એનએસઈએ લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ ઈશ્યુ ભાવથી ૯૦%થી વધુ ન થઈ શકવાનો નિર્ણય લાદતા રોકાણકારો અને વિશ્લેષકોમાં ભારે અસમંજસતા જાગી હતી કે એનએસઈ કઈ રીતે ભાવ નક્કી કરી શકે, કારણકે એક્સચેન્જનો આ નિયમ તો કંપનીની માર્કેટ પ્રાઈસ વેલ્યુએશન ડિસ્કવરીના મુક્ત બજાર પર અસર કરી શકે છે.
જોકે હવે અહેવાલ છે કે માર્કેટ રેગ્યુલેટર સેબી એસએમઈના આઈપીઓ માર્કેટથી રિટેલ રોકાણકારોને દૂર રાખવા માટે કડક પગલાં લઈ શકે છે. એસએમઈ આઈપીઓ માટેની લોટ સાઈઝ એટલે કે ઓફર થતા શેર વધારીને ન્યૂનતમ રોકાણ જ રૂ. ૫ લાખ સુધી નિર્ધારિત કરી શકે છે.
તાજેતરમાં એસએમઈ આઈપીઓ ઓફર્સમાં અભૂતપૂર્વ સટ્ટાકીય પ્રવૃત્તિ જોવા મળી રહી છે. એસએમઈ શેર માટેના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મે નાણાંકીય વર્ષ ૨૦૨૪માં ૧૩૭ જાહેર ઈશ્યુ દ્વારા રૂ. ૪૬૨૨ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
આ આંકડો ૨૦૧૭-૧૮ના ૮૭ ઈશ્યુના રૂ. ૧૪૪૨ કરોડના અગાઉના રેકોર્ડ કરતા ઘણો વધારે છે. આઈપીઓના બમ્પર લિસ્ટિંગ લાભોના આંકડા રિટેલ રોકાણકારોને આકર્ષે છે અને તેને કારણે હાલ સબસ્ક્રિપ્શન વધ્યું છે.