– સરકારી બંગલા ખાલી ન કરનારાઓેને નોટીસ આપવાનું શરૂ
– નિયમ અનુસાર લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરી દેવાનો હોય છે
નવી દિલ્હી : ૨૦૦થી વધારે પૂર્વ સાંસદોને લુટયન્સ દિલ્હીમાં આવેલ પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડશે. કેટલાક પૂર્વ સાંસદોએ અત્યાર સુધી પોતાના બંગલા ખાલી કર્યા નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર સ્મૃતિ ઇરાની સહિત ચારથી વધારે પૂર્વ કેન્દ્રીય પ્રધાનોએ લુટિયન્સ દિલ્હીમાં પોતાનો સરકારી બંગલા ખાલી કરી દીધા છે.
કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંગલો ખાલી ન કરનારા સાંસદોને નોટીસ જારી કરવામાં આવી છે.
નિયમ અનુસાર પૂર્વ સાંસદોને લોકસભા ભંગ થવાના એક મહિનાની અંદર પોતાનો સરકારી બંગલો ખાલી કરવાનો રહેશે.
જો પૂર્વ સાંસદો સરકારી બંગલો ખાલી કરતા નથી તો બળપૂર્વક આ બંગલો ખાલી કરાવવા અધિકારીઓની ટીમ મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે લોકસભા સચિવાલય સાંસદોને મકાન ઉપલબ્ધ કરાવે છે.
જ્યારે હાઉસિંગ અને શહેરી કાર્ય મંત્રાલય કેન્દ્રીય પ્રધાનોને લુટયન્સ દિલ્હીમાં બંગલાની ફાળવણી કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલને ૮૩ લોધી એસ્ટેટ બંગલો ફાળવવામાં આવ્યો છે.