(પીટીઆઇ) દરભંગા/પટણા, તા. ૧૬
વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી)ના પ્રમુર મુકેશ સહાનીના ૭૦
વર્ષીય પિતા જીતન સહનીની બિહારના દરભંગા જિલ્લામાં તેમના પિતૃક ઘરમાં મંગળવારે
ચાકુથી હત્યા કરવામાં આવી હતી.
એડિશનલ ડાયરેક્ટર જનરલ (હેડકવાર્ટર) જિતેન્દ્રસિંહ ગંગવારે
જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં પૂછપરછ માટે બે વ્યકિતઓની અટકાયત કરવામાં આવી
છે. આ અટકાયત ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે કરવામાં આવી છે. આ બંને
વ્યકિતની અવરજવર શંકાસ્પદ હતી.
દરભંગાના વરિષ્ઠ પોલીસ સુપ્રિટેન્ડેેન્ટ જગુનાથ રેડ્ડીએ
ઘટનાને સમર્થન આપતા પત્રકારોને જણાવ્યું હતું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના
સ્થળે પહોંચી તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જીતન સાહનીના શરીર પર
ચાકુથી હુમલો કર્યા હોવાના નિશાન છે.
મુખ્યપ્રધાન નીતીશકુમારે જીતન સાહનીની હત્યાની ઘટનાને ખૂબ જ
દુઃખદ ગણાવી પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ડીજીપી
(ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ)ને કેસની તપાસ કરી દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી
સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.
મુખ્યપ્રધાન કાર્યાલય અનુસાર નીતીશે પૂર્વ પ્રધાન મુકેશ
સહનીથી ફોન પર વાત કરીને તેમને સાંત્વના આપી હતી.
એસએસપી રેડ્ડી અનુસાર તપાસમાં સ્થાનિક પોલીસની મદદ કરવા
માટે એસટીએફની ટીમ દરભંગા મોકલવામાં આવી છે. ફોરેન્સિક નિષ્ણાતો અને ડોગ સ્કવોડની
પણ મદદ લેવામાં આવી રહી છે.
બિહાર સરકારના પૂર્વ પ્રધાન મુકેશ સહની વિકાસશીલ ઇન્સાન
પાર્ટીના પ્રમુખ છે. વીઆઇપી વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી છે.
બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે
બિહારમાં અપરાધ ઘટાડવામાં નિષ્ફળ રહેવા બદલ એનડીએ સરકારની ટીકા કરી છે. તેમણે
જણાવ્યું હતું કે બિહારના લોકોને આતંકમાં રહેવા મજબૂર કરવામાં આવી રહ્યાં છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે
આશા રાખીએ કે બિહાર સરકાર ગુનગારોને કડકમાં કડક સજા આપીને સાહની પરિવારને ન્યાય
અપાવશે.