અમદાવાદ,મંગળવાર,16 જુલાઈ,2024
અમદાવાદના ચાંદલોડીયા વોર્ડમાં આવેલા ઉમાભવાની અંડરપાસમાં
સોમવારે બપોરે ભરાયેલા બે ફૂટથી વધુ વરસાદી પાણી ૨૪ કલાક બાદ ઓસર્યા
હતા.મ્યુનિસિપલ તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને સહન કરવાની નોબત આવી પડી
હતી.અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કોન્ટ્રાકટ અપાયો હોવાછતાં આ
સ્થિતિનુ નિર્માણ થયુ હતુ.
સોમવારે બપોરે ૧૨થી ૨ કલાક દરમિયાન પડેલા વરસાદને કારણે ઉમાભવાની
અંડરપાસમાં બે ફૂટથી વધુ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.અંડરપાસમાં પાણી ભરાતા એમબ્યુલન્સ
ઉપરાંત વાહનચાલકો જઈ શકતા નહતા.આ અંડરપાસમાં વરસાદી પાણી ભરાશે એવી રજૂઆત સ્થાનિક કોર્પોરેટર
દ્વારા કરવામા આવતા તંત્રના અધિકારીઓએ વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાંખી છે એવો
જવાબ આપ્યો હતો.તંત્રના આ પ્રકારના જવાબની વચ્ચે સોમવારે પડેલા વરસાદથી અંડરપાસમાં
પાણી ભરાયા હતા.તંત્ર તરફથી શહેરના તમામ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે
પમ્પ મુકી કામગીરી કરવા કોન્ટ્રાકટ અપાયો છે.તેમ છતાં ઉમાભવાની અંડરપાસમાં ભરાયેલા
વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ મુકવામા આવ્યો હતો કે કેમ એવી સ્થાનિકોમાં ચર્ચા સાંભળવા
મળી હતી.