– પિતા કરગરતા રહ્યા અને ચાર શખ્સ પુત્રને મારતા રહ્યા હતા
– પોલીસે લોખંડના પાઇપ અને લાકડાના ધોકા અને એક્ટીવા કબજે કરી
ઉપલબ્ધ થતી માહિતી અનુસાર વડવા, પાદર દેવકીમાં આવેલ ચબૂતરા પાસે રહેતા બિસ્મિલ્લાખાન યુસુફખાન પઠાણ (ઉ.વ.૧૯) નામનો યુવાન ગત સપ્તાહે વાળ કાપવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડર ભીખુભાઇ દસાડીયા (રહે.વડવા, વાસણઘાટ, આસોદરી ફળી સામે), ધર્મેન્દ્ર ઉર્ફે ભોલો ભરતભાઈ વાઘેલા (રહે, વડવા, બાપેસરા, વૈદ્યનાથ મહાદેવ મંદિર પાસે), અનિલ ઉર્ફે અનકો હિંમતભાઇ મકવાણા (રહે, પ્લોટ નં.૫૫, સત્યનારાયણ સોસાયટી-૦૧, હાદાનગર) અને વિપુલ ઉર્ફે ઠુઠો અમુભાઇ કંડોળિયા (રહે, પ્લોટ નં.૧૫૫, સર્વોદય સોસાયટી, હાદાનગર)એ જાહેર રોડ પર હત્યા કરી નાંખી હતી. આ પ્રકરણમાં નિલમબાગ પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી લળ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ શરૃ કરી હતી. રિમાન્ડ દરમિયાન પોલીસે ચારેય હત્યારાને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત તપાસ દરમિયાન હત્યામાં છરીનો ઉપયોગ ન થયો હોવાનું ખુલવા પામ્યું હતું. જ્યારે પોલીસે એક ધોકો, બે લોખંડના પાઈપ અને બે એક્ટીવા કબજે કરી હતી. વધુમાં ચારેય શખ્સના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા હોવાનું નિલમબાગ પીઆઈ આર.ડી. ચૌધરીએ જણાવ્યું હતું.