– ઉપરવાસ રાજસ્થાન અને ખેડા જિલ્લામાં ઓછા વરસાદથી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું નથી
– કડાણા ડેમમાં 115.82 અને વણાકબોરી ડેમમાં 67.13 મીટરની સપાટીએ, કડાણા જળાશયમાં પાણીની આવક નહીં થાય તો નર્મદાનું પાણી ઠલવાશે
ચોમાસુ શરૂ થયાના દોઢ મહિનો થયો છતાં પણ ખેડા જિલ્લાના તળાવો, ડેમો અને નદીઓમાં ઓછા વરસાદના કારણે આવક થઇ નથી. જિલ્લાના ખેડૂતો નહેર આધારિત હોવાથી ચિંતામાં મૂકાયા છે. કેનાલમાં પાણીનું લેવલ ઊંચુ ન હોવાથી આગામી દિવસોમાં મુશ્કેલી સર્જાઇ શકે છે. સારા વરસાદની ખેડૂતો ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. મહી, સાબરમતી, મેશ્વો, ખારી, લુણી, વારાંશી, મહોર, વાત્રક, શેઢી વગેર નદીઓમાં પાણીની આવક જોવા મળતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે નદીઓમાં સામાન્ય આવક થઇ છે. જેના કારણે ખરીફ સિઝનમાં પાક પણ અસર થવાની સંભાવના છે.
કડાણા ડેમમાં ૧૧૫.૮૨ મીટરની પાણની સપાટી છે અને વણાકબોરી ડેમમાં ૬૭.૧૩ મીટર પાણીની સપાટી છે. કડાણા ડેમમાં પાણીનો આવકનો મુખ્ય સ્ત્રોત રાજસ્થાન છે અને ઉપરવાસ રાજસ્થાનમાં સારો વરસાદ થાય તો કડાણા ડેમાં પાણીની આવક થાય છે અને કડાણા ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાણી છોડવવામાં આવે છે.જયારે પાનમ ડેમની સપબાટી ૧૨૨.૬૦ મીટર, વાત્રક ડેમની ૧૨૮.૧૫ મીટર છે.
જયારે કડાણા ડેમમાં પાણીની આવક ના થાય તેવા સંજોગામાં નર્મદા ડેમમાંથી પાણી ઠાલવવામાં આવે છે બાદમાં કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે.