મુંબઈ : ૪જૂનના લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ના સ્ટોકસમાં નીકળેલી નવેસરથી લેવાલીને પરિણામે એક મહિનાથી થોડાક વધુ સમયમાં સરકારી ઉપક્રમોના સ્ટોકસે માર્કેટ કેપમાં રૂપિયા ૧૨ લાખ કરોડનો ઉમેરો કરાવ્યો છે.
૨૦૨૪ની અત્યારસુધીની વાત કરીએ તો આ સ્ટોકસની માર્કેટ વેલ્યુમાં રૂપિયા ૨૨.૫૦ લાખ કરોડનો વધારો થયો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે.
પોતાના માળખાકીય પ્રોજેકટસ માટે કેન્દ્ર સરકાર વધુ પડતી કામગીરી સરકારી ઉપક્રમો મારફત પાર પાડવાનો વ્યૂહ ધરાવે છે, જેને પરિણામે રેલવેસ, પોર્ટસ, માર્ગ બાંધકામ, સંરક્ષણ ક્ષેત્રની સરકારી કંપનીના સ્ટોકસમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર આકર્ષણ જોવા મળી રહ્યું છે.
જો કે ઊંચા ભાવને જોતા સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાંથી પોતાના હિસ્સાનું વેચાણ કરે તેવી પણ શકયતા જોવાઈ રહી છે, આવી સ્થિતિમાં ભાવ વૃદ્ધિને બ્રેક લાગી શકે છે એમ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.
પોતાની બેલેન્સ શીટસને વધુ મજબૂત બનાવવા સરકાર પોતાના કેટલાક ઉપક્રમોમાંથી હિસ્સાનું આંશિક વેચાણ કરી શકે છે.
મોદી સરકાર પોતાની છેલ્લા દસ વર્ષની નીતિઓ જાળવી રાખશે તેવી ધારણાંએ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છેે. રેલ વિકાસ, એસસીઆઈ, એમટીએનએલ, રેલટેલ સહિતના ઉપક્રમોના શેર ભાવમાં છેલ્લા એક પખવાડિયામાં ૨૦ થી ૫૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
ગયા નાણાં વર્ષના ૩૧મી માર્ચના અંતે દસ જેટલા લિસ્ટેડ ઉપક્રમોમાં સરકાર ૭૫ ટકાથી વધુ હિસ્સો ધરાવતી હતી.
લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમ પ્રમાણે કોઈ પ્રમોટર પોતાની કંપનીમાં ૭૫ ટકાથી વધુ હિસ્સો ધરાવી શકતા નથી. આ નિયમનું પાલન કરવામાં આવે તો સરકાર હાલના ભાવે રૂપિયા ૩ લાખ કરોડ જેટલી રકમ ઊભી કરી શકે છે.
૧૨ જાહેર ક્ષેત્રની બેન્કોમાંથી પાંચ બેન્કોમાં પબ્લિક હોલ્ડિંગ હજુ પણ ૨૫ ટકાના ધોરણથી ઓછું છે. આ બેન્કોમાં પબ્લિક હોલ્ડિંગ વધારવાની અંતિમ મુદત વર્તમાન વર્ષના ઓગસ્ટ સુધીની છે.
ગયા નાણાં વર્ષમાં સરકારે રૂપિયા ૫૧૦૦૦ કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ તે ઘટાડી પછી રૂપિયા ૩૦,૦૦૦ કરોડ કરાયો હતો.