back to top
Homeગુજરાતવરસાદની આગાહી વચ્ચે: કચ્છના મુંદરામાં અઢી, અબડાસા-માંડવી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ

વરસાદની આગાહી વચ્ચે: કચ્છના મુંદરામાં અઢી, અબડાસા-માંડવી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ

Rain in Bhuj : કચ્છમાં આકરી ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે આજેબીજા દિવસે પણ મોડી સાંજ પછી મેઘરાજાનું આગમન થયું હતું. આજે મુંદરામાં અઢી ઈંચ, અબડાસા તાલુકામાં દોઢ ઈંચ, માંડવીમાં સવા ઈંચ, અંજારમાં એક ઈંચ જયારે ભુજ, નખત્રાણા અને ભચાઉ તાલુકામાં પા થી અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. લખપત તાલુકામાં અમી છાંટણા વરસ્યા હતા. જયારે આજે રાપર અને ગાંધીધામ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી ન હતી. 38.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું મોખરાનું ગરમ મથક બન્યું હતું. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

જિલ્લામાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ મહેર વરસાવી હતી. સાત તાલુકામાં અડધાથી બે ઈંચ સુધીની મેઘમહેર વરસી હતી. હવામાન વિભાગે વરસાદ વરસવાની કરેલી  આગાહી વચ્ચે આજે કચ્છમાં અડધાથી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. 

મુંદરામાં અગાઉની માફક આજે પણ ધમાકેદાર વરસાદ વરસતા જોતજોતામાં અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. મુન્દ્રામાં આજે રાત્રે 8.00 વાગ્યાથી જાણે કે ભયંકર વાવાઝોડું હોય તે રીતે વીજળી  ના ચમકારા અને ભયંકર ગર્જના સાથે મેઘ તાંડવ થયું હતું. સતત દોઢ કલાક જેટલો ચાલેલા આ પવનરૂપી વરસાદ અને ભયંકર વીજ ગર્જનાને લીધે ઘડી પર જાણે કે મુન્દ્રા ટાપુમાં ફેરવાઈ ગયું હોય તેવું તાલ જોવા મળ્યો હતો. મુન્દ્રાના રસ્તા ઉપર દોઢ ફૂટ પાણી વહી ગયા હતા. 

લોકોના જણાવ્યા મુજબ આ પ્રકારની વીજ ગર્જના અને ભયંકર ધડાકા ઘણા વર્ષો પછી જોવા મળ્યા છે. વીજળી એ પ્રકારે ત્રાટકી હતી કે જાણે રાત્રિના અંધારામાં  દિવસનો ભાસ થયો હતો એવા વાતાવરણ ઊભા થયા હતા.  વીજ પ્રવાહ પણ બંધ સંપૂર્ર્ણ થઈ ગયો હતો. રાત્રે 9.30 વાગ્યા પછી વરસાદ બંધ થયો હતો. ત્યારબાદ વીજ પુરવઠો ચાલુ થયો હતો. મુન્દ્રામાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું એટલી હદે વરસાદ અને પવન સાથે વીજળીના ચમકારાથી  લોકો ડરી ગયા હતા. 

અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના નરેડી ધનાવાડા, ખીરસરા (વિંઝાણ) ઉકીર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા. અબડાસામાં રાત્રિના આઠ સુધી 38 મિ.મિ. એટલે કે દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત લખપતમાં હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. માંડવી ખાતે સવા ઈંચ વરસાદથી માર્ગો  વહી નીકળ્યા તા. ગઈકાલે રાત્રિના અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. નખત્રાણામાં સાંજના ઝાપટું વરસ્યું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં વાદળોની આવન જાવન જોવા મળી હતી.

જિલ્લા મથક ભુજમાં સાંજના સમયે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતુ. સતત અડધો કલાક સુધી જોરદાર ઝાપટું વરસતા માર્ગો પર આજે ફરી પાણી ભરાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વીજ સમસ્યા સર્જાઈ હતી. સતત એકાદ કલાક વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. છઠ્ઠીબારી રીંગ રોડ, બસ સ્ટેશન, વી.ડી. સહિતના વિસ્તારમાં એકથી બે કલાક સુધી લોકોએ મુશ્કેલી વેઠી હતી. મહત્તમ તાપમાન 38.2 ડિગ્રીના આંકને સ્પર્શી ગયું હતું. આકરી ગરમી અનુભવાઈ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને સાંજે 59 ટકા નોંધાયું હતું. હવામાન વિભાગે હળવાથી મધ્યમ  વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન, હવામાન વિભાગની આગાહી અનુસાર, દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments