Fire at Jamnagar : જામનગરમાં ન્યુ જેલ રોડ પર રહેતા જામનગર મહાનગરપાલિકાના એક અધિકારીના મકાનમાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં સૉર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે બનાવાની જાણ કરાતાં ફાયર વિભાગના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને સમયસર કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની થતી અટકી હતી, જ્યારે સદભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરના ન્યુ જેલ રોડ પર મીલેટરીના ગેટ પાસે રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં દબાણ નિરીક્ષકના અધિકારી તરીકે ફરજ બજાવતા સુનિલ ભાનુશાળીના રહેણાક મકાનમાં મંગળવારે સાંજે 5.00 વાગ્યાના અરસામાં એર કન્ડિશન મશીનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આગના તેમજ ધુમાડા જોવા મળ્યા હતા.
આ બનાવ સમયે ઘરમાં એકમાત્ર સુનિલભાઈ ભાનુશાળીના માતા હાજર હતા તેઓ તુરતજ ઉપરથી નીચે દોડી આવ્યા હતા, અને મહાનગરપાલિકાની કચેરીમાં જાણ કરી દેતાં એસ્ટેટ અધિકારી સુનિલ ભાનુસાલી, જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય તેમજ ફાયર શાખાના અન્ય સ્ટાફ સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને પાણીનો મારો ચલાવી સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી.
સદભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ એરકન્ડિશનવાળા એક બેડરૂમમાં નુકસાન થયું હતું.