Flyover Bridge in Dakor: ડાકોર બાયપાસ રોડ પર ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના રસ્તા ઉપર રૂ.70 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ફલાયઓવર બ્રિજમાં ત્રણ મહિનામાં જ લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માંગલ્ય બિલ્ડકોન એજન્સીને ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે માત્ર ત્રણ મહિનામાં જ ફ્લાયઓવરમાં સમારકામની જરૂરિયાત ઉભી થતાં બ્રિજ નિર્માણની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
2020માં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું
ડાકોરમાં ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના ત્રણ રસ્તા ઉપર રૂ.70 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હસ્તે તા. 8 માર્ચ 2024ના રોજ ફૂલાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વર્ષ 2020માં માંગલ્ય બિલ્ડકોન નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જેનું તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું.
32 મહિના બાદ ફ્લાયઓવર લોકાર્પણ કરાયું
એજન્સીએ 18 મહિનામાં કામપૂર્ણ કરવાનું હતું, જેના બદલે 32 મહિના બાદ ફૂલાયઓવરનું લોકાર્પણ કરાયું હતું. માર્ચ મહિનામાં વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકાયેલા ફલાયઓવર બ્રિજ ઉપર જુલાઈ માસમાં લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો. જેનું સમારકામ માર્ગ મકાન વિભાગની દેખરેખ હેઠળ માંગલ્ય બિલ્ડકોન એજન્સીએ કરાવ્યું છે.
બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા
નોંધનીય છે કે, 18 મહિનાના બદલે 48 મહિના થઈ ગયા હોવા છતાં ફલાયઓવરનું કામ પૂર્ણ થયું નથી. બે વર્ષ પહેલા સર્વિસ રોડ માટે રૂ.42 લાખ લઈ લીધા હોવા છતાં અત્યાર સુધી સર્વિસરોડનું કામ પૂર્ણ થયું નથી. પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓની મીલીભગતથી બ્રિજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા લોકોમાં સેવાઈ રહી છે.
એક્સપાન્શન જોઈન્ટના વેલ્ડિંગનું કામ કરાયું છે
પ્રતિક સોની, ડેપ્યુટી ઈજનેર, માર્ગ મકાન વિભાગ, (ડાકોર)નું કહેવું છે કે ફ્લાયઓવર પર ગાબડા કે ખાડા પડ્યા નથી. લોખંડની એક્સપાન્શન જોઈન્ટના એંગલના વેલ્ડિંગનું કામ કરવામાં આવ્યું છે.
ડાકોરના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ દ્વારા એજન્સીને છાવરવાનો પ્રયાસ
પાટા ઉખડી ગયા એવું કશું છે જ નહીં, આટલો મોટો બ્રિજ બનાવ્યો હોય તો મેઈન્ટેઈન કરીને જ બનાવ્યો હોય તેમ ડાકોરના ભાજપના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ)એ જણાવ્યું હતું. અધિકારીઓ, ફલાયઓવર બનાવનાર એજન્સીએ સ્વીકાર કર્યો હતો કે, ફ્લાયઓવર પર સાંધાનો પાટો ઉંચો થઈ ગયો છે, ત્યારે ધારાસભ્ય ઘટના બની ન હોવાનું જણાવી એજન્સીને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઓવરલોડ વાહનોના કારણે બે સાંધાનો પાટો ઉંચો થઈ ગયો
હરેશ પટેલ, માંગલ્ય બિલ્ડકોન એજન્સીના કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, હજૂ ફલાયઓવરનું કામ ચાલુ છે. ઓવરલોડ વાહનોના કારણે બે સાંધાનો પાટો ઉંચો થઈ ગયો હતો. જે પાટો કાઢીને નવો લગાવવામાં આવ્યો છે. જેને કારણે સમારકામ કર્યું છે. બ્રિજમાં ક્યાંય ગાબડું કે ખાડી ના પડ્યો હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: વરસાદની આગાહી વચ્ચે: કચ્છના મુંદરામાં અઢી, અબડાસા-માંડવી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ