India Tour of Sri lanka: T20 વર્લ્ડકપ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી જીત્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ પર જશે. જો કે ભારતને 10 દિવસ પછી T20 મેચ રમવાની છે પરંતુ હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ટીમ ઈન્ડિયાની પસંદગીમાં વિલંબના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું આવું ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાના કારણે થઈ રહ્યું છે? શું રોહિત શર્માની T20 નિવૃત્તિ પછી નવો કેપ્ટન પસંદ કરવામાં પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટને કોઈ મૂંઝવણ છે? કે પછી નવા કેપ્ટન અને મુખ્ય કોચ વચ્ચે એવું કોઈ સમીકરણ છે, જેને BCCI ઉકેલી શકતું નથી? ક્રિકેટમાં તમામ અટકળો અને શક્યતાઓ વચ્ચે નવા કેપ્ટન અને મુખ્ય કોચનું સમીકરણ આપસમાં બેસવું જોઈએ એ પણ જરૂરી છે.
કોચ તરીકે ગંભીર પર ટીમ તૈયાર કરવાનું દબાણ
કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ શ્રેણી છે. તેની સામે તેના કાર્યકાળમાં 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યાર પછી જુનિયર ખેલાડીઓ સાથે આગામી T20 વર્લ્ડકપની ટીમ તૈયાર કરવાનું દબાણ છે. BCCIના સૂત્રોનું માનીએ તો હાર્દિક પંડ્યા ભારતીય T20 ટીમના કેપ્ટન તરીકે તે પસંદગીકારોની પહેલી પસંદ છે. જે એકદમ સ્વાભાવિક પણ છે. તે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના વાઇસ કેપ્ટન હતો. કેપ્ટન (Rohit Sharma) ની નિવૃત્તિ બાદ વાઇસ કેપ્ટનનો પહેલો દાવો હોય એ સ્વાભાવિક છે.
હાર્દિક પંડયાનો રેકોર્ડ
હાર્દિક પંડ્યાએ 16 T20 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે . IPLમાં પણ તેણે નવી જ ટીમ ગુજરાત ટાઇટન્સે એક વખત ચેમ્પિયન અને એક વખત રનર અપ બનાવીને પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. હાર્દિકની કેપ્ટનશીપ જોઈને જ મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કરી દીધો હતો. જો ટીમમાં રિપ્લેસમેન્ટની વાત કરીએ તો હાર્દિક કરતાં કોઈ ખેલાડી વધુ યોગ્ય વિકલ્પ મળતો નથી. તે દેશનો એકમાત્ર ઓલરાઉન્ડર છે, જે કોઈપણ ફોર્મેટ અને કોઈપણ ગ્રાઉન્ડ પર રમવા માટે ફિટ છે. જો કે હાર્દિક પોતે ટેસ્ટ ક્રિકેટમાં રમવા માટે અનિચ્છા દર્શાવી ચૂક્યો છે.
ગૌતમ ગંભીરનો મત અલગ?
BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું કે તાજેતરમાં સુધી, પંડ્યા કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ હતો અને તે બધાનો પ્રિય પણ હતો. પરંતુ આ રેસમાં સૂર્યકુમારનું નામ અચાનક અને ઝડપથી સામે આવ્યું છે. તે ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. જેની પાછળ કોચ ગૌતમ ગંભીર જવાબદાર હોય શકે છે. સૂર્યકુમાર પણ એક લાંબા સમય સુધી T20 રેન્કિંગમાં નંબર વન રહી ચૂક્યો છે અને ભારતીય ટીમને ઘણી મેચોમાં એકલા હાથે જિતાડી ચૂક્યો છે. ખાસ તો તેની ઇજાનો ઇતિહાસ હાર્દિક જેટલો લાંબો નથી રહ્યો માટે તે નિયમિત રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ રમતો રહ્યો છે.
ભૂતકાળમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સૂર્યકુમારનું જોડાણ પણ આ સમીકરણનું એક પાસું માનવામાં આવે છે. સૂર્યકુમાર યાદવ KKR તરફથી રમતા સૌપ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. ત્યારે ટીમનો તત્કાલીન કેપ્ટન ગૌતમ ગંભીર હતો. એવું કહેવાય છે કે ગૌતમ દ્વારા સૂર્યાનું નામ સામે રાખવામાં આવ્યું હતું. સૂર્યકુમાર યાદવ રણજી ટ્રોફીથી વિજય હજારે ટ્રોફી સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની કપ્તાની કરે છે. તેની પાસે પણ કેપ્ટનશિપનો ઘણો અનુભવ છે, જે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે.
ગૌતમ ગંભીર કોચ તરીકે પણ થોડો અગ્રેસીવ માનવામાં આવે છે. ટીમના નિર્ણયોમાં તેનું પ્રભુત્વ હોય એ પ્રકારનું તેનું વર્ચસ્વ છે. માટે કોચ તરીકે તે ઇચ્છશે કે કેપ્ટન તેની સાથે સહમતી દર્શાવે અને તેનાં નિર્ણયો પણ માને.