Image: FreePik
UK Young Professional Scheme Ballot: યુનાઈટેડ કિંગ્ડમ જવા માગતાં ભારતીયો માટે સરળ વિઝા સ્કીમ બેલેટ 16 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. યુ.કે. સરકાર આ યોજના હેઠળ ભારતીયોને બે વર્ષ રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે, જેમાં બેલેટ ડ્રો સિસ્ટમના આધારે વિઝા માટે પસંદગી થાય છે. આ યુ.કે. યંગ પ્રોફેશનલ્સ સ્કીમ ફક્ત ભારતીયો માટે છે.
વર્ષમાં બે વખત માર્ચ અને જુલાઈમાં આ બેલેટ ખુલે છે. આ સ્કીમ માત્ર બેથી ત્રણ દિવસ માટે જ ખૂલે છે અને બાદમાં 90 દિવસમાં વિઝા અંગે નિર્ણય જાહેર થાય છે. ભારતીયો રૂ. ત્રણથી 3.50 લાખના ખર્ચે યુ.કે.ના વર્ક વિઝા મેળવી શકે છે. આ વિઝા મળ્યા બાદ છ મહિનાની અંદર યુ.કે.માં પ્રવેશ જરૂરી છે.
એપ્લિકેશન માટે લાયકાત
અરજદાર પાસે માન્ય પાસપોર્ટ હોવો જોઈએ, તેમજ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. 18થી 30 વર્ષ સુધીના યુવાનો આ સ્કીમ હેઠળ અરજી કરી શકે છે. જેના માટે 2530 પાઉન્ડનું બેન્ક બેલેન્સ હોવું પણ જરૂરી છે. એપ્લિકેશન બાદ ટીબીનો રિપોર્ટ, પોલીસ વેરિફિકેશન જેવા ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહેશે.
એપ્લિકેશન ચાર્જ
એપ્લિકેશન કરવા માટે 298 પાઉન્ડ ફી ચૂકવવાની રહેશે. હેલ્થકેર સરચાર્જ પેટે 1552 પાઉન્ડ અને 2530 પાઉન્ડની અંગત બચત બતાવવાની રહેશે. એપ્લિકેશન રિજેક્ટ થવા પર કોઈ ફી રિફંડ મળશે નહીં.
આટલું ધ્યાનમાં રાખો
આ વિઝા હેઠળ તમે યુ.કે.માં અભ્યાસ કરી શકો છો, નોકરી કરી શકો છો. પરંતુ બે વર્ષથી વધુ રોકાણ કરી શકાશે નહીં. બે વર્ષ બાદ ફરિજ્યાતપણે યુ.કે. છોડવું પડશે. આ સ્કીમ હેઠળ યુ.કે. રહેતાં લોકો પોતાના પરિવારના સભ્યોને સ્પોન્સર કરી શકશે નહીં. તેના માટે અલગથી અરજી કરવાની રહેશે.
આ રીતે અરજી કરો
ઉમેદવારે વિઝા માટે અરજી કરતાં પહેલા ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમમાં અપ્લાય કરવાનું રહેશે. બેલેટમાં નામ, જન્મ તારીખ, પાસપોર્ટ વિગતો, પાસપોર્ટનો સ્કેન કરેલો ફોટો, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ રજૂ કરવાનું રહેશે. આ વેબસાઈટ https://apply-to-visit-or-stay-in-the-uk.homeoffice.gov.uk/dashboard/landing-page/new/YMS_BALLOT પરથી બેલેટમાં ભાગ લઈ શકાશે.