Naxalite Attack : મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર (Maharashtra-Chhattisgarh Border) પર મહારાષ્ટ્ર પોલીસના સી60 કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે અથડામણ થઈ છે, જેમાં કમાન્ડોએ 12 નક્સલીઓને ઠાર કર્યા છે. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થતાં તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
કમાન્ડો-નક્સલીઓ વચ્ચે છ કલાક ચાલી અથડામણ
બંને રાજ્યોની બોર્ડર પરના વાંડોલી ગામમાં આજે સવારે લગભગ 10 કલાકે અથડામણ થઈ હતી, જેમાં છ કલાક સામસામે ચાલેલા ગોળીબારમાં 12 નક્સલીઓ ઠાર થયા છે. મૃતક એક નક્સલીની ઓળખ ડિવિઝનલ કમિટી મેમ્બર લક્ષ્મણ ઉર્ફે વિશાલ અતરામ તરીકે થઈ છે. તે પ્રતિબંધિત સંગઠનનો તિપગાડ દલામનો પ્રભારી હતી.
આ પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં ફરી ખેલ કરશે ભાજપ? RSSની પત્રિકામાં પવારનું નામ ઉછળતા ફરી અટકળો તેજ
નક્સલીઓ પાસેથી મોટાપ્રમાણમાં હથિયારો જપ્ત
ઠાર કરાયેલા નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો તેમજ અન્ય સામગ્રી મળી આવી છે. આમાં ત્રણ એકે-47, ત્રણ ઈન્સાસ રાઈફલ, એક કાર્બાઈન અને એક સેલ્ફ લોડિંગ રાઈફલ છે. એવું કહેવાય છે કે, બુધવારે સવારે વાંડોલી ગામમાં નક્સલીઓ હોવાની માહિતી મળ્યા બાદ કમાન્ડોએ ગઠચિરોલીથી ઓપરેશન કર્યું હતું.
કમાન્ડો ટીમ અને પોલીસને રૂ.51 લાખનું ઈનામ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નક્સલીઓ વિરુદ્ધના ઓપરેશનમાં સફળતા મળ્યા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સી60 કમાન્ડોની ટીમ અને ગઢચિરોલી પોલીસને રૂપિયા 51 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. હાલ ઠાર કરાયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી છે. અથડામણમાં સી60ના ઉપ નિરિક્ષક અને એક જવાન ઈજાગ્રસ્ત થયા છે અને હાલ બંને સુરક્ષિત છે.
આ પણ વાંચો : વર્ષમાં બે વખત યોજાશે ધોરણ-10 અને 12ની પરીક્ષા, NCFSEની ભલામણ, 2026થી થશે લાગુ !