Oman Rescue Mission : ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કરો ભરેલું જહાજ ડુબી જવાની ઘટનામાં ભારતીય સેનાએ તુરંત કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ ભારતીય સેનાનું યુદ્ધ જહાજ INSએ ઓમાન પહોંચી જહાજના 16 ક્રૂ મેમ્બરોમાંથી નવ લોકોનો જીવ બચાવી લીધો છે. જ્યારે હજુ પણ સાત લોકો લાપતા હોવાના અહેવાલો મળ્યા છે. બચાવાયેલા નવ લોકોમાં આઠ ભારતીયો અને એક શ્રીલંકન નાગરિક છે. જ્યારે જે સાત લોકો લાપતા છે, તેમાં પાંચ ભારતીયો અને બે શ્રીલંકન છે, તેમની શોધખોળ ચાલી રહી છે.
INS ઉપરાંત P-81 પેટ્રોલિંગ વિમાનથી પણ બચાવ કાર્ય
ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કરો ભરેલું જહાજ ડૂબી ગયું હોવાની માહિતી મળ્યા બાદ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ આઈએનએસને રાહત અને બચાવ કામગરી માટે તુરંત મોકલી દેવાયું હતું. આઈએનએસ ઉપરાંત દરિયાઈ પેટ્રોલિંગ વિમાન P-81ને પણ બચાવ-રાહત કાર્યમાં જોડાયું હતું. ઓમાન દ્વારા પણ બચાવની કામગીરી ચાલી રહી હતું. મળતા અહેવાલો મુજબ દરિયામાં જે જહાજ ડૂબ્યું છે, તેના પર કોમોરોસનો ઝંડો લગાવાયેલો હતો.
MSCએ પોસ્ટ કરીને જહાજ ડુબવાની આપી હતી માહિતી
આ પહેલા સમુદ્રી સુરક્ષા કેન્દ્ર (MSC)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, કોમોરોસના ધ્વજ વાળું ઓઈલ ટેન્કર દુકમના બંદર પાસે રાસ મદ્રાકાથી થોડા માઈલ દક્ષિણ પૂર્વમાં પલટી ગયું હતું. આ જહાજની ઓળખ પ્રેસ્ટીજ ફાલ્કન તરીકે થઈ છે. દુકમના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આ એક પ્રમુખ ઓઈલ રિફાઈનરી પણ છે.
યમન તરફ જઈ રહ્યું હતું જહાજ
દુકમ બંદર ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત છે, જે સલ્તનતની પ્રમુખ ઓઈલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સની ખૂબ નજીક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓઈલ ટેન્કર યમનના બંદર શહેર અદન તરફ જઈ રહ્યું હતું. ઓઈલ ટેન્કર પાણીમાં ડૂબીને ઊંધુ પડ્યું હતું. શિપિંગ ડેટાના આંકડા પ્રમાણે આ જહાજનું નિર્માણ 2007માં કરવામાં આવ્યું હતું. આ જહાજ 117 મીટર લાંબુ છે. એવું કહેવાય છે કે આવા નાના ટેન્કરોનો ઉપયોગ સામાન્ય રીતે નાની યાત્રા માટે કરવામાં આવે છે.
આ પણ વાંચો : ચીનના પ્રમુખ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના અહેવાલ, વાયરલ સમાચારના કારણે રાજકીય હલચલ