અમદાવાદ, બુધવાર
એરપોર્ટ ઉપર ટેક્સી ચાલક અને સિક્યોરીટી ગાર્ડ વચ્ચે મારા મારીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ડોમેસ્ટીક એરપોર્ટ ટર્મીનલ ઉપર ટ્રાફિક જામ બાબતે તકરાર થતા ટેક્ષીના ચાલકને શાંત રહેવા માટે જણાવતા તેણે સિક્યોરીટી ગાર્ડ સાથે તકરાર કરીને મારમારી કરીને ધમકી આપી હતી. આ બનાવ અંગે સિક્યોરીટી ગાર્ડે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટેક્ષી ચાલકે હું તને જાઇ લઇશ કહી ધમકી આપી ઃ એરપોર્ટ પોલીસે ટેક્ષી ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી
નિકોલ રોડ ઓઢવ ખાતે રહેતા અને એરપોર્ટ ઉપર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમા પ્રિપેડ ટેક્ષી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે તેઓ ગઇકાલે ડોમેસ્ટીક એરપોર્ટ ટર્મીનલ એક ખાતે પેસેન્જરને ગાઈડ કરવાનુ તથા ટ્રાફિક નિયમન અને ટાઉટીંગ રોકવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે બપોરના સમયે પ્રિપેડ ટેક્ષી કાઉન્ટર ઉપર બે-ત્રણ ટેક્ષી ચાલક પેસેંજર લેવા માટે ઉભા હતા. બે ટેક્ષીને ઉભા રહેવાની પરમિશન હોવાથી ત્રીજા ટેક્ષી ચાલક આરોપી બુમો પાડતો હતો તેને ત્યાં ઉભા નહી રહેવા તથા બુમો નહીં પાડવા માટે જણાવ્યું હતું.
જેથી આરોપી ત્યાં હાજર સિક્યુરીટી ગાર્ડ સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદી ત્યાં પહોંચીને છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાઇને આરોપીએ તેમની સાથે પણ મારઝુડ શરૃ કરી દીધી હતી અને ધાક ધમકી આપવા લાગ્યો હતો. જો કે આ ઘટના બાદ વધુ સિક્યોરીટી ગાર્ડ ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદીનેે વધુ મારથી બચાવ્યા હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસ પ્રિપેડ ટેક્ષીના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.