વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં પહેલી વખત વિદેશી વિદ્યાર્થીઓને ડેમોન્સ્ટ્રેશન બાદ પ્રવેશ આપવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં મોટાભાગે દર વર્ષે બાંગ્લાદેશ, શ્રીલંકા અને મોરેશિયસના વિદ્યાર્થીઓ ડાન્સ, વોકલ અથવા તબલા જેવા ઈન્સ્ટ્રુમેન્ટસના અભ્યાસ માટે પ્રવેશ ફોર્મ ભરતા હોય છે.અત્યાર સુધી સત્તાધીશો તેમને પ્રવેશ ફોર્મ ભર્યા બાદ શૈક્ષણિક યોગ્યતા ચકાસીને પ્રવેશ આપતા હતા.
જોકે કેટલાક કિસ્સામાં સત્તાધીશોને લાગ્યુ હતુ કે, વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવા ખાતર જ પ્રવેશ લીધો છે.જેના કારણે આ વર્ષે સત્તાધીશોએ પહેલી વખત પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ પાસે તેઓ જે વિષયમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેની બેઝિક જાણકારી ચકાસવા માટે તેના વિડિયો મંગાવ્યા હતા.
સૂત્રોનુ કહેવુ છે કે, આ વર્ષે ૩૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ માંગ્યો હતો અને વિડિયો ડેમોસ્ટ્રેશન જોયા બાદ ૨૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.હવે પછી દર વર્ષે આ જ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, સ્થાનિક વિદ્યાર્થીઓને ફેકલ્ટીના ડ્રામા વિભાગમાં આ જ રીતે ડેમોસ્ટ્રેશન બાદ જ પ્રવેશ આપવામાં આવતો હોય છે.