પાદરા તા.૧૭ પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં ર્દુષિત પાણીના કારણે ફેલાતા કોલેરાએ માથુ ઊંચક્યું છે. નગરમાં કુલ ત્રણ દર્દીઓ કોલેરાનો ભોગ બન્યા હોવાનું બહાર આવતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. કોલેરા ઉપરાંત પાણીજન્ય અન્ય બીમારીઓના પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પાદરા નગરપાલિકાના આરોગ્ય વિભાગના બુલેટિનમાં આજે ત્રણ દર્દીઓ કોલેરાગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોલેરાનો ભોગ બનેલા ત્રણે દર્દીઓને પાદરામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાદરાના વિવિધ વિસ્તારોમાંથી ઝાડા-ઉલટી અને પેટના દુઃખાવા ઉપરાંત પાણીજન્ય અન્ય બીમારીના ૫૦ થી વધુ કેસો નોંધાયા છે. તમામને પાદરા સરકારી દવાખાને સારવાર આપવામાં આવી રહી છે.
બીજી તરફ પાદરા સરકારી દવાખાને સેમ્પલ અર્થે કેટલાંક દર્દીઓના રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. દુષિત પાણી અને ગંદકીના કારણે મચ્છરના ઉપદ્રવે રોગચાળાને ભરડામાં લીધો હોય તેવું ઉપસ્થિત દર્દીઓની સંખ્યા જોઈ માલુમ પડે છે. કોલેરાના દર્દીઓના આંકડા આરોગ્ય વિભાગ દ્વારા છુપાવવાની સાથે રોગચાળાની સાચી સ્થિતિ રજૂ કરાતી નહી હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.
પાદરામાં માત્ર કોલેરા જ નહીં તાવ અને ઝાડા-ઉલટીના કેસોમાં વધારો નોંધાયો જે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાદરા સરકારી દવાખાના વિભાગમાંથી સત્તાવાર જણાવ્યા મુજબ ૫૦થી વધુ કેસો જોવા મળ્યા છે.